ગત વર્ષ પણ શહેરમાં માત્ર 38 ઇંચ જ વરસાદ પડયો હતો: શહેરની વસતી અને વિસ્તાર વઘ્યા પણ જળાશયો ન વધતા વર્ષમાં ત્રણવાર ડેમ નર્મદાના નીરથી ભરવા પડે છે
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરની વસતી અને વિસ્તારમા સતત વધારો થઇ રહ્યો છે. રંગીલુ અને મોજીલુ ગણાતું આ શહેર સતત પોતાના સીમાડા વિસ્તારાવી રહ્યુંછે. પરંતુ જળાશયોમાં વધારો ન થવાના કારણે હવે એક વર્ષમાં ત્રણ-ત્રણ વાર રાજકોટની જળ જરુરીયાત સંતોષતા જળાશયોને નર્મદાના નીરથી ભરવા પડે છે. છેલ્લા 48 વર્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો વર્ષ 2019 માં રાજકોટમાં સૌથી વધુ 61 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે 1987માં શહેરમાં માત્ર 7.43 ઇંચ જ વરસાદ વરસવાના કારણે કારમી જળ કટોકટી ઉભી થવા પામી હતી.ગત વર્ષ પણ ચોમાસુ પ્રમાણમાં સામાન્ય રહ્યું હતું 38 ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાના રેકોર્ડ પર રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી વર્ષ 2022 સુધીના ચોમાસાની સીઝનમાં શહેરમાં પડેલા કુલ વરસાદના આંકડાઓને રેકોર્ડ રાખવામાં આવ્યો છે. વર્ષ 2019માં રાજકોટમાં ચોમાસુ ટનાટન રહ્યું હતું. 13 જુને પ્રથમ વરસાદ પડયો હતો. ચોમાસાની સીઝન દરમિયાન 1528 મીમી અર્થાત 61 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકયો હતો. જળાશયો સતત બબ્બે મહિના સુધી ઓવરફલો થયા હતા. ર4 કલાકમાં ર4 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે આવ્યું શહેર જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાય ગયુઁ હતું. રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. ચોમાસાની સીઝનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડવા છતાં માત્ર ત્રણથી ચાર મહિનામાં જ જળાશયો ડુકી જાય છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમને વર્ષમાં ત્રણ વખત જયારે ન્યારી ડેમમાં બે વખત નર્મદાના નીરથી ભરવો પડે છે.
વર્ષ 2010માં 55.50 ઇંચ, વર્ષ 2021માં 53.24 ઇંચ, વર્ષ 1979 માં 53 ઇંચ, વર્ષ 2007 માં 52.68 ઇંચ, વર્ષ 2017માં 51.7 ઇંચ, વર્ષ 2013માં 47.04 ઇંચ, વર્ષ 2020માં 44.63 ઇંચ, વર્ષ 2005માં 40.54 ઇંચ, વર્ષ 1988 માં 40.40 ઇંચ, વર્ષ 1994માં 40.15 ઇંચ અને વર્ષ 2022 માં 37.97 ઇંચ વરસાદ પડયો હતો. જે રાજકોટમાં પડેલા સૌથી વધુ વરસાદના આંકડાઓ છે. શહેરમાં સૌથી ઓછો વરસાદ 1987માં માત્ર 7.43 ઇંચ જેટલો જ પડયો હતો. 1986 માં 8 ઇંચ, 1985માં 11 ઇંચ, 1995માં 11.10 ઇંચ, 1999માં 9.72 ઇંચ, 1991માં 13 ઇંચ, વરસાદ પડયો હતો.
સતત ત્રણ વર્ષ ચોમાસુ નબળુ રહેતા 1986માં ટ્રેનમાં પાણી મંગાવવુ પડયું હતું
અછતમાં પણ રાજકોટવાસીઓને પાણી પુરુ પાડયુ અને વજુભાઇ વાળાને મળ્યુ ‘પાણી વાળા’ મેયરનું બિરૂદ
ગુજરાતમાં વર્ષ 1985, 1986 અને 1987 માં ચોમાસાની સિઝન ખુબ જ નબળી રહી હતી. 1985માં 11 ઇંચ વરસાદ પડયો હતો. 1986 માં માત્ર 8 ઇંચ વરસાદ અન 1987માં સૌથી ઓછો 7.43 ઇંચ વરસાદ પડયો હતો. સતત ત્રણ વર્ષ દુષ્કાળના કારણે રાજકોટવાસીઓની તરસ છીપાવવા માટે ગાંધીનગરથી ટ્રેન મારફત પીવાના પાણી મંગાવવામાં આવ્યા હતા. આસપાસના રર ડેમમાંથી પાણી લાવી રાજકોટમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું. દુષ્કાળના વર્ષમાં પણ રાજકોટની જનતાને પીવાનું પાણી પુરુ પાડનાર મેયર વજુભાઇ વાળાને શહેરીજનોએ પાણી વાળા મેયરનું બિરૂદ આપ્યું હતું.
વાંકાનેર-હળવદની વીડીમાં 120 બોર કરી રાજકોટની તરસ છીપાવાય
કેશુભાઇની સરકારે માત્ર 55 દિવસમાં જ વાંકાનેર-હળવદથી રાજકોટ સુધીની પાઇપલાઇન બિછાવી દીધી હતી
1999-2000ના વર્ષમાં સતત ઉપરાઉપર બે વર્ષ ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ વરસ્યો હતો. આવામાં શહેરીજનોને પીવાનું પાણી પુરૂં પાડવા માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની મદદથી વાંકાનેર અને હળવદ પંથકમાં આવેલી વીડીમાં પાણીના 120 જેટલા બોર કરી શહેરીજનોને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવ્યું હતું. 1999ની સાલમાં માત્ર 10 ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાના આરંભે જ શહેરમાં પાણીની કટોકટી ઉભી થવા પામી હતી. તે સમયના મેયર મંજુલાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બિપીનભાઇ અઢીયાને એવા વાવડ મળ્યા હતા કે વાંકાનેર અને હળવદ પંથકની વીડીના તળમાં પુષ્કળ પાણી છે.
રાજ્ય સરકારની મંજૂરી લીધા બાદ કોર્પોરેશને અલગ-અલગ વિસ્તારમાં 120 જેટલા બોર બનાવ્યા હતા. જેમાંથી રાજકોટની જળજરૂરિયાત સંતોષવા માટે દૈનિક એક કરોડ લીટર પાણી મેળવવામાં આવતું હતું. તે સમયે મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારે માત્ર 55 દિવસમાં વાંકાનેર-હળવદથી રાજકોટ સુધીના વિસ્તારમાં પાઇપલાઇન બિછાવી દીધી હતી. સૌથી મોટી આશ્ર્ચયની વાત એ છે કે સતત બોર ચાલુ રાખવામાં આવતા હોવા છતાં એકપણ બોરમાં પાણી ડૂક્યા ન હતા. નબળા ચોમાસામાં પાણીની ભીંસણ તંગી વચ્ચે પણ રાજકોટવાસીઓને કોર્પોરેશને ટ્રેન મારફત પાણી લાવી કે વીડીમાં બોર કરી પણ પાણી પુરૂં પાડ્યું હતું. જેની આજે પણ ચર્ચાઓ ચાલી રહી છે.