વર્લ્ડકપમાં પોતાનાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કદી ન હારવાનો રેકોર્ડ યથાવત રાખવા વિરાટ સેના તત્પર: ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત રોમાંચકતા: કાલે પણ વરસાદ વેરી બને તેવી સંભાવના
વિશ્ર્વભરનાં કરોડો ક્રિકેટપ્રેમીઓની જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઘડી અંતે આવી પહોંચી છે. ક્રિકેટ વિશ્ર્વનાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે માનચેસ્ટર ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2019નો હાઈ વોલ્ટેજ જંગ જામશે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે કદી ન હારવાનો રેકોર્ડ યથાવત રાખવા વિરાટ સેનાનાં ઈરાદા ખુબ જ બુલંદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત રોમાંચકતા જોવા મળી રહી છે. જોકે કાલની મેચમાં મેઘરાજા વેરી બને તેવી શકયતા પણ વર્તાઈ રહી છે.
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2019નો કાર્યક્રમ જયારથી જાહેર થયો છે ત્યારથી વિશ્ર્વભરનાં ક્રિકેટ પ્રેમીઓને વર્લ્ડકપનાં ફાઈનલ મેચ કરતાં 16મી જુને રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે જબરી ઉતેજના જોવા મળી રહી છે. વર્ષ-1983 અને વર્ષ-2011માં વિશ્ર્વ વિજેતાનો તાજ ધારણ કરનાર ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ કયારેય હાર્યું નથી. વન-ડે વર્લ્ડકપ કે 20-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા કુલ 6 મુકાબલામાં ભારતે હંમેશા જીત હાંસલ કરી છે. એક માત્ર આઈસીસી ચેમ્પીયન ટ્રોફીનાં ફાઈનલમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું છે. વર્ષોની પરંપરા અને વિરાટ સેનાનું ફોર્મ જોતાં કાલની મેચ માટે ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. વર્લ્ડકપ-2019માં ભારત અત્યારસુધી પરાજીત છે. ભારતે પોતાનાં પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાને જયારે બીજા મુકાબલામાં ડિફેન્ડીંગ વિશ્ર્વ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કર્યું હતું. ન્યુઝીલેન્ડ સામેનાં ત્રીજા મેચમાં વરસાદ વેરી બનતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો. હાલ વર્લ્ડકપનાં પોઈન્ટ ટેબલમાં ભારત 5 પોઈન્ટ સાથે 4 નંબરે છે. જયારે પાકિસ્તાન 4 મેચ રમ્યું છે જેમાંથી એક માત્ર મેચમાં તેણે વિજય મળ્યો છે. બે મેચમાં પાક.ને પરાજયનું મોઢુ જોવું પડયું છે અને એક મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગયો હતો. આમ ત્રણ પોઈન્ટ સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે.
ભારતનાં ઓપનર રોહિત શર્મા, શિખર ધવન ઉપરાંત સુકાની વિરાટ કોહલી, હાર્દિક પંડયા, મહેન્દ્રસિંહ ધોની સહિતનાં બેટસમેનો અને જસમીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર અને યજુવેન્દ્ર ચહલ સહિતનાં બોલરો ફોમમાં છે જોકે અંગુઠામાં ફેકચર થવાનાં કારણે ઓપનર શિખર ધવન કાલનો મેચ રમી શકશે નહીં છતાં ભારતની બેટીંગ લાઈન એટલી મજબુત છે કે જીત માટે ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. શિખર ધવનનાં સ્થાને કાલે પાકિસ્તાન સામેનાં મેચમાં ભારતવતી કે.એલ.રાહુલ દાવની શરૂઆત કરશે. પાકિસ્તાનની બેટીંગ લાઈન પણ મજબુત છે સાથે બોલીંગની ધાર પણ શાનદાર છે. આવામાં ક્રિકેટપ્રેમીઓને એક રોમાંચક મુકાબલો માણવા મળે તે વાત ફાઈનલ છે. વર્લ્ડકપનાં ઈતિહાસમાં ભારત એક પણ વખત પાકિસ્તાન સામે હાર્યું નથી. આ રેકોર્ડ યથાવત રાખવાનાં બુલંદ ઈરાદા સાથે આવતીકાલે વિરાટ સેના મેદાનમાં ઉતરશે. બીજી તરફ પાકિસ્તાન પણ વર્લ્ડકપમાં સતત ભારત સામે હારવાનું મેણું ભાંગવા માટે એડીચોટીનું જોર લગાવશે. માન્ચેસ્ટરમાં કાલે રમાનારા ભારત અને પાકિસ્તાન સામેનાં મેચ દરમિયાન વરસાદ વેરી બને તેવી શકયતા હાલ નકારી શકાતી નથી. ક્રિકેટપ્રેમીઓ એવું ઈચ્છી રહ્યા છે કે, કાલની મેચમાં વરસાદ ન આવે અને એક રોમાંચક મુકાબલો માણવા મળે. ભારત-પાકિસ્તાન સામેનાં મેચની ટીકીટનો ભાવ આસમાને પહોંચી ગયો છે. છેલ્લો કાળાબજારમાં એક ટીકીટનો ભાવ 60 હજાર રૂપિયા સુધી બોલાતો હતો.