નિકાસમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ છે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષના પૂર્ણ થવા સુધીમાં કુલ 30 લાખ કરોડની નિકાસનો લક્ષ્યાંક સેવ્યો છે જે તરફ અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે પરંતુ આમાં હજુ ઘણા અડચણો ઉભા થઇ રહ્યા છે. જેમાં મુખ્યત્વે શિપિંગના ઊંચા ભાડા અને કન્ટેનરની અછતનો સમાવેશ છે. કન્ટેનરની અછતને કારણે નિકાસ ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે નિકાસ પર અસર થવાની શક્યતા છે. નિકાસ સતત વધી તો રહી છે પણ શિપિંગ ફ્રેઈટ અને કન્ટેનરની અછત 30 લાખ કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં બાધારૂપ બની રહ્યું છે.
ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (TPCI) અનુસાર, ગત વર્ષે ભારતથી અમેરિકામાં માલ મોકલવા માટે 20 ફૂટના કન્ટેનરની કિંમત $ 1,800 હતી, જે વધીને $ 6,000 સુધી પહોંચી ગઈ છે. આવું એટલા માટે થયું કારણ કે કોરોના સમયગાળા દરમિયાન, કન્ટેનર એવા દેશોમાં અટવાઈ ગયા કે જેની નિકાસ ઓછી ઉપજી છે. ત્યાંથી કન્ટેનર પરત આવવામાં વિલંબ થયો છે.
આમ નિકાસ ખર્ચ વધ્યો છે. TPCIનો અંદાજ છે કે કન્ટેનરમાં માલ મોકલવાની કિંમતમાં વધારાને કારણે નિકાસ ખર્ચમાં પાંચ-આઠ ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય માલને ઊંચા ભાવે વેચવા અનિવાર્ય બન્યા છે. જે નિકાસને મોટી અસર કરી રહ્યા છે. કન્ટેનરની અછતને ધ્યાનમાં રાખીને, અમેરિકા અને યુરોપના દેશોએ નજીકના દેશોમાં નિકાસ ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે કારણ કે તેમના માલને ભારતથી આવવામાં લાંબો સમય લાગી રહ્યો છે. આમ, આયાતની સાથે નિકાસ ખર્ચનું ભારણ પણ એક મોટી સમસ્યા બની છે.