હોટલ માલિક બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની કબુલાત : પીસીબીએ રોકડ,મોબાઈલ મળી કુલ રૂ.10.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અમદાવાદમાં પીસીબીએ સિંધુભવન રોડ પર આવેલ તાજ હોટલમાં જુગારનો દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી. જે દરોડા માં પીસીબીએ જુગાર રમતા તાજ હોટલના માલિક સહિત 10 લોકોની ધરપકડ કરી હતી.અને તેમની પાસેથી રોકડ રકમ 9.83 લાખ સહિત 10.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
વિગતો મુજબ અમદાવાદ પીસીબી ને બાતમી મળી હતી કે, ‘કૈલાશ ગોયન્કા નામનો વ્યક્તિ તાજ હોટલનો માલિક છે, જે પોતાની હોટલમાં માણસો રાખીને તીન પત્તીનો જુગાર રમાડે છે, જેને લઈને પીસીબીની ટીમ દ્વારા તાજ હોટલ પહોંચી 721 નંબરનો રૂમનો દરવાજો ખખડાવતા અંદરથી હોટલ માલિક કૈલાશ ગોયન્કાએ દરવાજો ખોલ્યો હતો. અંદર જતા રૂમમાં ખુરશીઓમાં અન્ય 9 લોકો બેઠા હતા.
રૂમમાં ટેબલ પર ચાદર પાથરી હતી. 9 લોકોના હાથમાં જુગારના પત્તા તથા કોઈન હતા. આ તમામ લોકો રૂમમાં બેઠા-બેઠા જુગાર રમતા હોવાથી પીસીબીએ તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ હોટલ માલિક કૈલાશ ગોયન્કાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, ‘હું હોટલનો માલિક છું, મારા મિત્રોને બોલાવીને હું જુગાર રમાડું છું. અમે કોઈનથી જુગાર રમીએ છીએ. છેલ્લે જેની પાસે જેટલા કોઈન હોય તે મુજબ પૈસા આપીએ છીએ. પોલીસને તમામ આરોપીઓ પાસેથી 9,83,350 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત 4 મોબાઈલ ફોન મળી કુલ 10,48,350 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપીને સરખેજ પોલીસને સોંપ્યા હતા.
પકડાયેલા શખ્સો
- કૈલાશ રામ અવતાર ગોયેંકા (તાજ હોટલનો માલિક)
- શંકર પટેલ
- હસમુખ પરીખ
- અજીત શાહ
- કનુ પટેલ
- ભાવિન પરીખ
- પ્રદીપ પટેલ
- ભરત પટેલ
- જગદીશ દેસાઈ
- નરેન્દ્ર પટેલ