ગયા વર્ષ 2000 મા વેચાયેલા તલનો આ વખતે ર700 પ્રતિ મણનો ભાવ
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ તલની અઢળક આવકથી ઉભરાઈ રહ્યું છે. અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તલના ભાવમાં રૂ. 700 નો ઉછાળો આવતા ખેડૂતો ખુશખુશાલ પણ જણાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટિંગમાં હાલ તલની ખરીદી બંધ કરવામાં આવી છે, જેના પગલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલની આવકમાં પુષ્કળ વધારો થયો છે, અહી દરરોજના લગભગ 10 હજાર જેટલા કટા એટલે કે સરેરાશ 2 હજાર ક્વિન્ટલ તલ ની આવક થતાં યાર્ડ તલની ગુણોથી ભરાઈ ગયું છે. તથા સોમવાર સુધીમાં આ તલની આવક ડબલ થવાની શક્યતાઓ રહેલી હોવાનું યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા જણાવી રહ્યા છે.જાણકારોના મતે તલની અન્ય દેશોમાં માંગ હોવાને લીધે એક્સપોર્ટરો તલની બ્લકમાં ખરીદી કરી અને સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે, તથા એક્સપોર્ટરોની જરૂરિયાત મુજબ 100 થી 200 જેટલી ગાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને ગુણવત્તા ભર્યા ભાવ પણ મળી રહ્યા છે.
યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના વધુમાં જણાવ્યા મુજબ ગત વર્ષે તલના મણના ભાવ રૂ. 2000 આસપાસ રહ્યા હતા. આ વર્ષે તેમાં રૂ. 700 જેટલો ઉછાળો આવતા હાલમાં મણના ઉંચા ભાવ 2600 થી 2800 વચ્ચે રહેતા અને તલમાં સારા ભાવ મળતા જગતના તાતને આર્થિક રાહત મળવા પામી છે તથા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
ચાઇના અને ઓસ્ટ્રેલિયા અને ચીનમાં તલની માંગ વધુ
ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોમાં તલનું તેલ સહિતની અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓમાં તલ ઉપયોગ વધુ રહે છે જેના કારણે તલની આ દેશોમાં માંગ વધુ રહે છે, જેના કારણે આ દેશોમાં સારી ક્વોલિટી ના તલ મંગાવાઈ રહ્યા છે અને તેથી તલના ભાવ ઊંચા થયા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.