‘આડેધડ’ પાસાના કેસો કરી અદાલતનો સમય નહીં બગાડવા હાઇકોર્ટની ટકોર

પ્રિવેંશન ઓફ એન્ટી સોશ્યલ સોશ્યલ એક્ટિવિટીઝ(પાસા) હેઠળ ચાલી રહેલા એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે તંત્રને આડેહાથ લેતા મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે, પાસા એકટનો ઉપયોગ કેવા કેસમાં કરાય તે અંગે તંત્રને જાણ છે કે નહીં? જો તંત્રને આ અંગે જાણકારી ન હોય તેઓ અમારી પાસે આવે અમે તેમને આ અંગેનું જ્ઞાન આપીશું. કોર્ટે વધુમાં એવું પણ કહ્યું હતું કે, તંત્ર ’ખોટા’ કેસોમાં પાસાનું શસ્ત્ર ઉગામી કોર્ટનું ભારણ ન વધારે. કોર્ટે કહ્યું છે કે, આ પ્રકારના કેસો જો હવે કોર્ટના ધ્યાને આવશે તો વળતર સ્વરૂપે તંત્રને દંડ પણ ફટકારવામાં આવશે.

જસ્ટિસ એસ. એચ. વોરા અને જસ્ટિસ આર.એમ. સરીનની ખંડપીઠે હિતેશ પટેલ નામના વ્યક્તિ સામે દારૂબંધીનો કેસ દાખલ કર્યા બાદ તેની સામે પાસા હેઠળ કેસ કરવાની દરખાસ્ત સાથે સહમત ન હતી. જ્યારે અટકાયતના આદેશો સામે પટેલની અરજી સુનાવણી માટે આવી ત્યારે જસ્ટિસ વોરાએ સરકારી વકીલને કહ્યું, તમારી પાસે એક નીતિ છે, માર્ગદર્શિકા મુજબ એકલ દોકલ ગુના માટે પાસાનું શસ્ત્ર ઉગામી શકાય નહીં. હાઇકોર્ટ સવાલ પૂછતાં કહ્યું હતું કે, શું અધિકારીઓ તેમની પોતાની માર્ગદર્શિકાથી વાકેફ નથી? હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જે ઇસમ વિરુદ્ધ એક જ ગુન્હો નોંધાય તેના વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી શકાય નહીં.

અધિકારીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલો અંગે  ન્યાયાધીશે કહ્યું કે, “જો અધિકારીઓ સમજી શકતા ન હોય તો તેમને અહીં બોલાવો. અમે તેમને સમજાવીશું. અન્યથા અમે વળતર માટે આદેશ પસાર કરીશું. અધિકારીઓ બિનજરૂરી કેસમાં પાસાનું શસ્ત્ર ઉગામે છે જેનું ભારણ કોર્ટ પર આવે છે અને તેનું અંત લાવવા અમારે બીનજરૂરી સમય આપવો પડે છે. ’ખોટા’ કેસોમાં પાસાનું શસ્ત્ર ઉગામી કોર્ટનું  ભારણ નહીં વધારવા હાઇકોર્ટ સૂચન કર્યું છે.

હાઈકોર્ટે આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લેવાથી અસ્થાયી રૂપે રક્ષણ આપ્યું હતું અને કહ્યું હતું કે, સમાજને મોટા પ્રમાણના હાનિ પહોંચાડતા અને વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઈસમો પર લગામ લગાવવા માટે પાસાનું શસ્ત્ર અમલમાં મુકાયું હતું પરંતુ હાલ તેનો ઉપયોગ આડેધડ કરાઈ રહ્યો છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પાસા હેઠળ કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાનો હેતુ ત્યારે જ છે જ્યારે તે સમગ્ર સમાજ વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું હોય. સમાજ માટે ખતરો બની ગયો હોય તેવા ઈસમોની શાન ઠેકાણે પાડવા માટે પાસાનો ઉપયોગ કરવાનો હોય છે. સમગ્ર મામલે હાઈકોર્ટે આકરા પાણીએ આવી રાજ્ય સરકાર અને શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 29 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

શું અધિકારીઓ પોતાની જ માર્ગદર્શિકાથી વાકેફ નથી?: હાઇકોર્ટનો વેધક સવાલ

જસ્ટિસ એસ. એચ. વોરા અને જસ્ટિસ આર.એમ. સરીનની ખંડપીઠે હિતેશ પટેલ નામના વ્યક્તિ સામે દારૂબંધીનો કેસ દાખલ કર્યા બાદ તેની સામે પાસા હેઠળ કેસ કરવાની દરખાસ્ત સાથે સહમત ન હતી. જ્યારે અટકાયતના આદેશો સામે પટેલની અરજી સુનાવણી માટે આવી ત્યારે જસ્ટિસ વોરાએ સરકારી વકીલને કહ્યું, તમારી પાસે એક નીતિ છે, માર્ગદર્શિકા મુજબ એકલ દોકલ ગુના માટે પાસાનું શસ્ત્ર ઉગામી શકાય નહીં. હાઇકોર્ટ સવાલ પૂછતાં કહ્યું હતું કે, શું અધિકારીઓ તેમની પોતાની માર્ગદર્શિકાથી વાકેફ નથી? હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જે ઇસમ વિરુદ્ધ એક જ ગુન્હો નોંધાય તેના વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી શકાય નહીં.

‘ખોટા’ પાસાના કેસમાં તંત્રએ દંડ ભરવા તૈયારી રાખવી પડશે !!

અધિકારીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલો અંગે  ન્યાયાધીશે કહ્યું કે, “જો અધિકારીઓ સમજી શકતા ન હોય તો તેમને અહીં બોલાવો. અમે તેમને સમજાવીશું. અન્યથા અમે વળતર માટે આદેશ પસાર કરીશું. અધિકારીઓ બિનજરૂરી કેસમાં પાસાનું શસ્ત્ર ઉગામે છે જેનું ભારણ કોર્ટ પર આવે છે અને તેનું અંત લાવવા અમારે બીનજરૂરી સમય આપવો પડે છે. ’ખોટા’ કેસોમાં પાસાનું શસ્ત્ર ઉગામી કોર્ટનું  ભારણ નહીં વધારવા હાઇકોર્ટ સૂચન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.