શહેરના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી નજીક પુનિતનગરમાં બી ડિવિઝન પોલીસ મથકના પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતાએ પાડોશી વિપ્ર દંપત્તીની સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી કરેલી હત્યામાં સેશન્સ કોર્ટએ પોલીસમેનને અદાલતે 25 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ સજાનાં હુકમ સામે આરોપી પોલીસમેને હાઇકોર્ટમાં કરેલી અપીલ ફગાવી દઈ સેશન્સ કોર્ટનો હુકમ યોગ્ય ઠેરવી સજાનો હુકમ યથાવત રાખ્યો છે.પોલીસબેડામાં ભારે ચકચાર જગાડનાર આ કેસની પ્રાપ્ત વિગત મુજબ પુનિતનગરમાં રહેતા અને આઇઓસીમાં ફરજ બજાવતા ભૂપતભાઇ વિઠ્ઠલભાઈ તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેન ભૂપતભાઇ તરૈયાની ગત તા.7- 4-14ના રોજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા એ પોલીસની વરધીમાં દીનદહાડે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવેલી હતી.
પાડોશી પરિવાર વચ્ચે ફળીયામાં ખુરશીમાં બેસવા જેવી સામાન્ય બાબતે પોલીસમેને બે લોથ ઢાળી દીધી’તી
ગુણવંતીબેનનાં ભાઇ કિરણભાઈ મંડીરે ફરિયાદ નોંધાવેલી હતી.ગાંધીગ્રામ પોલીસે કમલેશ ઉર્ફે લાલો ન પકડાય ત્યાં સુધી મૃતક દંપત્તીના પુત્ર સુધિર ને ગાંધીગ્રામ પોલીસ મથકે રક્ષણ હેઠળ બેસાડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે ગણતરીનાં જ કલાકો માં પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાની ઘરપકડ કરી હતી.કમલેશ ઉર્ફે લાલા એ પોતાનાં ઘરેથી લોહી વાળી નેમ પ્લેટ વાળી વર્ધી અને એરપોર્ટની દીવાલ પાસેથી છુપાવેલી છરી કાઢી આપી હતી. તપાસ દરમિયાન પાડોશી ભુપતભાઇ ફળીયામાં ખુરશી નાખીને બેસતા હોય તે કમલેશ ઉફે ર લાલાના માતાને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો થતો હતો.
ગત તા.7-4-14 ના રોજ પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલીની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકેથી યુનિફોર્મમાં કમલેશ ઉર્ફે લાલો પુનિતનગરમાં દોડી આવ્યો હતો. ઘરમાંથી છરો લઇ ભૂપતભાઈ તેરૈયા પર હુમલો કરતા તેઓને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની ગુણવંતીબેનને છરી ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઈ અને તેમના પત્ની ગુણવંતીબેનનું મોત થતા બનાવ ડબલ મડેરમાં પરિણમ્યો હતો.
નજરે જોનારા સાહેદ અને એફ.એસ.એલ. ના પુરાવાને રાજયની વડી અદાલતે યોગ્ય ઠેરવ્યા: આરોપીની અપીલ નામંજુર
આ કેસમાં ફરીયાદ પક્ષે અદાલતમાં રજૂઆત કરી હતી કે આરોપીએ પાડોશી દંપતીની ઘાતકી રીતે હત્યા કરી હોય, આરોપી ખુદ પોલીસ મેન એટલે કે કાયદાના રખેવાળ અને કાયદાનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બે બે માનવીને મોતને ઘાટ ઉતાર્યા બાબતે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને મહત્તમ સજા કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. બાદ જે તે સમયે કેસ પુર્ણ થતા આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલોએ પાડોશી દંપતીની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ જજ ડી ડી ઠક્કરે તકસીરવાર ઠેરવી 25 વર્ષની સજા અને દંડનો હુકમકરેલ હતો. સેશન્સ કોર્ટના હુકમ ની સામે આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જે અપીલ ચાલી જતા જેમાં બંને પક્ષોની લંબાણ પુર્વકની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવા અને ઉચ્ચ અદાલતનાં ચુકાદા ઓ રજુ કરેલા જે હાઇકોર્ટનાં ન્યાયાધીશે લક્ષમાં લઇ આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો ની અપીલ ફગાવી દઈ અને સેસન્સ કોર્ટનો સજાનો હુકમ યથાવત રાખ્યો છે. સેસન્સ કેસમાં આ સ્પે. પીપી તરીકે રૂપરાજસિંહ પરમાર, મુળ ફરીયાદીનાં એડવોકેટ તરીકે લલીતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, હિતેશ ગોહેલ અને અજીત પરમાર રોકાયા હતા. હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે શ્રૃતિબેન પાઠક અને મુળ ફરીયાદી વતી એડવોકેટ શ્ર્વેતાબેન લોઢા રોકાયા હતા.