આત્મીય યુનિવર્સિટી ટ્રસ્ટમાં રૂ.33 કરોડની ઉચાપત મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ‘તી
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રેરિત રાજકોટની આત્મીય યુનિવર્સિટી અને કોલેજના ટ્રસ્ટમાં 33 કરોડની ઉચાપતની ફરિયાદના અનુસંધાને આરોપી ટીવી સ્વામી ઉર્ફે સંત ત્યાગવલ્લભદાસ સહિત બે આરોપીની રાજકોટ સેશન્સ કોર્ટમાં થયેલી આગોતરા જામીનઅરજી અરજી નામંજૂર થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહીમાં હાઇકોર્ટ ટીવી સ્વામીની ધરપકડ નહીં કરવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગથ હરિપ્રસાદ સ્વામીના અંગત મદદનીશ તરીકે રહી ચૂકેલા સંપ્રદાયના અગ્રણી પવિત્ર હર્ષદ રાય જાનીએ સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી અને વહીવટ કરતા સાધુ ત્યાગવલ્લભદાસ ગુરૂ હરિપ્રસાદદાસજી, સમીર કૌશિકભાઈ વૈદ્ય સહિતનાઓ સામે ટ્રસ્ટની શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને કર્મચારીઓના નામે પગાર ઉધારીને રૂપિયા 30 કરોડ થી વધુ નાણાં અન્ય લાગતા વળગતા લોકોના ખાતામાં જમા લઈ કુલ રૂપિયા 33.36 કરોડની ઉચાપત કર્યાની છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટીવીસ્વામી અને સમીર વૈદ્યે આગોતરા જમીન ઉપર છૂટવા કરેલી અરજી રાજકોટ સેશન્સ અદાલતે નામંજૂર કરી હતી.
બાદમાં ટીવીસ્વામી અને તેમની સામેની એફઆઇઆર રદ કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, તેની આજે બપોરે થયેલી સુનાવણીમાં આરોપીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ એફઆઈઆર એ માત્ર કાયદાનો દુરુપયોગ છે જે ઇસ્યુ ચેરિટી કમિશનરમાં નિર્ણય આધીન છે તેજ મુદ્દાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 24/ 1/ 2023ના રોજ ફરિયાદ થઈ હતી જે અન્વયે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા એકાએક તારીખ 9/ 6/ 2023 ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તે પાછળ બદલા ની ભાવના હોવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆતો અને રેકર્ડ પરની હકીકતો તેમજ પોલીસ પેપર્સ ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા સાધુ ત્યાગવલ્લભદાસ ઉર્ફે ટીવી સ્વામી સામે કોઈ સખત પગલાં ન લેવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કામમાં આરોપીઓ હતી એડવોકેટ સુધીર નાણાવટી, નિરૂપમ નાણાવટી, સૌરીન શાહ, વૈભવ શુકલ, સન્ની તલાટી, સુરેશ ફળદુ ભવનેશ શાહી કુણાલ શાહી ચેતન ચોવટીયા વગેરે રોકાયા હતા.