વશરામભાઇ સાગઠીયાએ કરેલી સિવિલ એપ્લીકેશનને અદાલતે માન્ય રાખી ચુંટણી સ્થગિત કરવાનો હુકમ આપ્યો
શહેરના વોર્ડ નં.15ની બે બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ યોજાનારી પેટા ચુંટણી પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી કોર્ટ દ્વારા અગાઉ કરવામાં આવેલી પીટીશન અંગે ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી ચુંટણી ન યોજવા પણ તાકીદ કરવામાં આવી છે.
વર્ષ-2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં.15માં કોંગ્રેસના પ્રતિક પરથી વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ વિજેતા બન્યા હતા. દરમિયાન ગત વર્ષે તેઓએ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું હતું. જેની સામે ભાનુબેન સોરાણીએ શહેરી વિકાસ વિભાગના દ્વાર ખખડાવ્યા હતા. કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ અન્ય પક્ષમાં જોડાઇ જવા બદલ તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેની સામે આ બંને કોર્પોરેટરોએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ પીટીશનનો હજુ કોઇ નિવેડો આવ્યો ન હોવા છતાં તાજેતરમાં રાજ્ય ચુંટણી પંચ દ્વારા વોર્ડ નં.15ની બે બેઠકો માટે ચુંટણી જાહેર કરી દેવામાં આવી હતી.
દરમિયાન આ નિર્ણય સામે ફરી વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ દ્વારા એડવોકેટ ચિંતન પી. ચાંપનેરીના મારફત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જેની સામે અદાલતમાં કરવામાં આવેલી અરજીનો હજુ કોઇ નિકાલ આવ્યો નથી. આવામાં વોર્ડની બે બેઠકો માટે પેટા ચુંટણી યોજવી ખરેખર નિયમ વિરૂધ્ધ કહી શકાય.
હાઇકોર્ટ દ્વારા આ દલીલને બહાલ રાખવામાં આવી છે અને વોર્ડ નં.15ની બંને બેઠકો માટેની પેટા ચુંટણી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આજે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા અને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે અમારી અરજીને માન્ય રાખી પેટા ચુંટણી સામે સ્ટે આપ્યો છે અને ભાજપના જુઠ્ઠાણા પર બ્રેક મારી દીધી છે.