નીતિ ઘડ્યા બાદ 8 મનપા અને 156 નપાને તાતકાલિક અમલવારી કરાવવા આદેશ
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ઢોર મુદ્દે ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટના વારંવાર હુકમો બાદ પણ રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત હોવાનું હાઇકોર્ટે નોંધ્યું છે. વારંવારના હુકમો હોવા છતાં સરકાર કે કોર્પોરેશનને કોઈ ગંભીરતા નહીં હોવાનું પણ કોર્ટે ટકોર કરી છે. કોર્ટના હુકમની અમલવારી બાબતે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે, જમીન પર કોઈ ઠોસ કામગીરી થઈ નથી તેવું હાઇકોર્ટનું અવલોકન સામે આવ્યું છે.
ખાસ કરીને રસ્તાઓના ક્વોલિટી કંટ્રોલના ચેકિંગ અંગે ઉણપ રહેતી હોવાની અરજદારે રજૂઆત કરી હતી. રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોના થતા મોતની હાઇકોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી. હાઇકોર્ટે સરકારી વકીલને પૂછ્યુ. જ્યારે રખડતા ઢોરના ત્રાસના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારજનો પર શું વીતે છે એનો અંદાજ છે ખરો?
નાગરિકોની સુરક્ષાએ રાજ્ય સરકારની પ્રથમ જવાબદારી હોવાનું હાઇકોર્ટ જણાવ્યુ છે. રાજ્ય સરકાર 156 નગરપાલિકાઓ અને આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સરકાર નવી નીતિ બનાવે તેવો કોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યુ કે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે વર્ષ 2023માં બનાવેલી નીતિની ઠોસ અમલવારી મુદ્દે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે.
સ્ટેન્ડિંગ કમિટીએ જે પ્રપોઝલ પાછી મોકલી તેની પર પુનઃ વિચારણા કરી અને યોગ્ય નીતિ બનાવવામાં આવે તેવો પણ કોર્ટનો આદેશ છે. રોંગ સાઈડ પર ચાલતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. મહત્વનુ છે કે આગામી 18 જુલાઈના રોજ આ અંગે ફરી સુનાવણી થશે.
છેલ્લા કેટલાય સમયથી તૂટેલા રસ્તા અને રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. પોલીસ સ્ટેશન ખાતે પાલિકા વિરુદ્ધમાં ફરિયાદો પણ નોંધાઈ છે. છ્તા આજ દિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી જેને કારણે લોકો રોષે ભરાયા છે. એક નહીં બે નહીં રાજ્યના તમામ જીલ્લોમાં આ પરિસ્થિતી છે. જેનો વહેલી તકે નિકાલ લાવવામાં આવે તેની પ્રજાજનોની માગ છે.
જોડીયામાં શાકભાજી લેવા નીકળેલા વૃદ્ધને ખૂંટિયાએ ઢીક મારતા મોત
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોડીયા ગામે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ગોપાલભાઈ ભુપતભાઈ દવે નામના ૭૧ વર્ષીય વૃદ્ધ બે દિવસ પહેલા સવારે માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. તે દરમિયાન શાક માર્કેટમાં રખડતા ખૂંટિયાએ વૃદ્ધ ગોપાલભાઇ ઢીક મારી ઉડાડતા તેને પ્રથમ જોડીયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડતા વૃદ્ધે દમ તોડયો હતો. ગુજરાતમાં રખડતા ઢોરના કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે તેમ જોડિયાના દવે પરિવારના મોભીને ખૂંટિયાએ ઢીક મારતા તેમનું મોત નીપજતાં વધુ એક પરિવારનો માળો વિખાઈ ગયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
હર્ષદ ગામ પાસે રસ્તા આડે પડેલા ખૂંટિયાની અડફેટે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ
પોરબંદરના મીયાણી ગામે રહેતા સુમિત નાથાભાઈ પરમાર નામનો ૨૧ વર્ષનો યુવાન પોતાના બાઈક પર જમવા જતો હતો ત્યારે લાંબા અને હર્ષદ ગામ વચ્ચે રસ્તા પર પડેલા ખૂંટિયા સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુમિતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રખડતા ઢોર સામે અનેક કાયદાકીય અને કડક કાર્યવાહી કરવા છતાં પણ હાલ રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ હોય તેમ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.