- ધર્મગુરૂનો વિવાદ પૂર્ણ થઇ જતાં સંપત્તિનો દાવો ઉભો રહેતો નથી: ગુજરાત હાઇકોર્ટનું અવલોકન
બોમ્બે હાઈકોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના ઉત્તરાધિકારીને 53માં દાઉદી તરીકે માન્ય રાખ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં દાઉદી વ્હોરા સમાજની 75 જાહેર ટ્રસ્ટો અને 261 વકફ મિલકતોની ટ્રસ્ટીશીપ સંબંધિત વિવિધ અરજીઓ અને અપીલોનો એક સાથે નિકાલ કર્યો છે.
સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો વર્ષ 2014માં 52મા દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના મૃત્યુ બાદ આ મિલકતોની ટ્રસ્ટીશીપ અંગેનો વિવાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો. તેમના ભાઈ ખુઝેમા કુત્બુદ્દીને 53મા દાઈ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે સ્વર્ગસ્થ સૈયદનાએ પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.
2014માં ખુઝેમા કુત્બુદ્દીને ગુજરાત હાઇકોર્ટમાં આઠ અરજીઓ દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના ભત્રીજા સૈયદના મુફદ્દલનું નામ ’એકમાત્ર ટ્રસ્ટી’ તરીકે દાખલ કરીને અનેક સત્તાવાળાઓ – ચેરિટી કમિશનર તેમજ ગુજરાત વક્ફ બોર્ડ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જ્યારે અરજી દાખલ કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે 53મા સૈયદનાને વકફ પ્રોપર્ટીનો વહીવટ કરવા પર રોક લગાવી હતી.
ખુઝેમા કુત્બુદ્દીનનું યુ.એસ.માં માર્ચ 2016માં અવસાન થયું હતું અને તેમના પુત્ર તાહેર ફખરુદ્દીન પક્ષકાર તરીકે મુકદ્દમામાં જોડાવા માટે અહીંની હાઈકોર્ટમાં ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને તેમના પિતા દ્વારા 54મા દાઈ જાહેર કરવામાં આવ્યા હતા અને સમુદાયના યોગ્ય અનુગામી અને વડા તરીકે જ્યારે સમુદાયની મિલકતના વહીવટનો અધિકાર નક્કી કરવામાં આવે ત્યારે તેમને સાંભળવું આવશ્યક છે. ઑક્ટોબર 2016માં, સિંગલ જજની બેન્ચે તાહેર ફખરુદ્દીનને તેના પિતા દ્વારા શરૂ કરાયેલી દાવાઓમાં જોડાવાની મંજૂરી આપી હતી. જેના કારણે મુફદ્દલ સૈફુદ્દીને ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી.
મુકદ્દમાઓની બેંચની પેન્ડન્સી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે 23 એપ્રિલના રોજ દાવોનો નિર્ણય કર્યો અને સમુદાયના 53મા દાઈ તરીકે મુફદ્દલ સૈફુદ્દીનના ઉત્તરાધિકારી તરીકે માન્ય ગણ્યા હતા. જે બાદ દાઈના વકીલોએ ગુજરાત હાઈકોર્ટને અપીલ અને અરજીઓનો નિકાલ કરવા વિનંતી કરી કારણ કે તે નિષ્ક્રિય બની ગઈ છે.
જો કે, તાહેર ફખરુદ્દીનના વકીલે રજૂઆત કરી હતી કે તાહેર ફખરુદ્દીન બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માગે છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની આગેવાની હેઠળની બેન્ચે અપીલનો નિકાલ કરતાં કહ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ઉલટાવી દેવાના કિસ્સામાં જેના આધારે અપીલ અને રિટ પિટિશનના આ જૂથનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો તે પક્ષકારો કાયદા અનુસાર નવી કાર્યવાહી શરૂ કરવા માટે ખુલ્લું રહેશે.