રેલવે સ્ટેશનો પર ખીસ્સા કાતરુઓ અને વધતા જતા ચોરીના બનાવોથી મુસાફરો ત્રસ્ત: ર૪ જાન્યુઆરી સુધીમાં અહેવાલ રજુ કરવા એચ.સી. નો રેલવેને આદેશ
રેલવે ક્ષેત્રે મહત્વના સુધારા લાવવા અને રેલવેને આધુનિકતાને રંગ લગાડવા સરકાર કવાયત તો કરી રહી છે. પરંતુ આ આધુનિકતાની વાતો વચ્ચે મુસાફરોને અપાતી સુવિધાઓમાં પણ તંત્ર ઉણું ઉતર્યુ હોય તેમ લાગી રહ્યું છે. રેલવે સ્ટેશનો પર વધતા જતા ખીસ્સા કાતરુના અને ચોરીના બનાવો તરફ હાઇકોર્ટે ખાસ ઘ્યાન દોર્યુ છે. અને મુસાફરોની સલામતિ પર પ્રશ્ર્નો કર્યા છે. આ મામલે હાઇકોર્ટે રેલવે પાસેથી એક અહેવાલ પણ માંગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે સી.આઇ.ડી રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) પાસેથી મુસાફરોની સુરક્ષા ને લઇ જવાબ માંગ્યો છે. જણાવી દઇએ કે, સુરતથી મોહમદ અલી શેખ નામના શખ્સે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને તે અરજીના આધારે હાઇકોર્ટે આ પ્રકારે રેલવે પાસેથી અહેવાલ માંગ્યો છે.
ગયા વર્ષના ઓકટોબર માસમાં સુરત રેલવે સ્ટેશન પર મોહમદ અલી શેખનો મોબાઇલ ચોરી થયો હતો જો કે ત્યાં સ્ટેશન પર લોકોએ ચોરને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પરંતુ આગળની કોઇ કાર્યવાહી પોલીસ વિભાગે કરી ન હતી. જેથી મોહમદે હાઇકોર્ટના એડવોકેટ ચીરાગ ઉ૫ાઘ્યાયનો સહારો લીધો અને કોર્ટને વિનંતી કરી કે, રેલવે સ્ટેશનો પર વધતા જતા ખીસ્સા કાતરુઓ પર રોક લગાવવા યોગ્ય પગલા લેવાય તેમજ આ કેસમાં ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપાય
કેસને પરખી હાઇકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ કહ્યું કે, ચાલુ ટ્રેનોમાં થતી ચોરી અને સ્ટેશનો પર ખીસ્સા કાતરુએ પર પગલા લેવા કાર્યવાહી થશે અને મુસાફરોની સલામતિને પ્રમુખતા અપાશે. અને આ મામલે ર૪ જાન્યુઆરી સુધીમાં અહેવાલ સોંપવા હાઇર્કોે આદેશ કર્યો છે.