અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: દહેજના આરોપીઓની 2 મહિના સુધી ધરપકડ ન થઈ શકે
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે લગ્નના કેસોમાં એફઆઈઆર નોંધાયાના બે મહિનાના “કૂલિંગ પિરિયડ” સુધી આરોપીઓની ધરપકડ અથવા તેમની સામે પોલીસ કાર્યવાહી ન થઈ શકે.
જસ્ટિસ રાહુલ ચતુર્વેદીએ મુકેશ બંસલ, તેમની પત્ની મંજુ બંસલ અને પુત્ર સાહિબ બંસલ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. જસ્ટિસે કહ્યું કે આ ’કૂલિંગ પીરિયડ’ દરમિયાન, આ મામલો તાત્કાલિક પરિવાર કલ્યાણ સમિતિને મોકલવામાં આવશે અને ફક્ત તે જ કેસોને આ સમિતિને મોકલવામાં આવશે જેમાં કલમ 498 એ (દહેજ માટે પજવણી) અને આઈપીસીની અન્ય આવી કલમો લાગુ કરવામાં આવી છે જ્યાં 10 વર્ષથી ઓછી જેલની સજા છે, પરંતુ મહિલાને કોઈ ઈજા થઈ નથી.
કોર્ટે સોમવારે પોતાના ચુકાદામાં સાસુ મંજૂ અને સસરા મુકેશ પર લાગેલા આરોપોને હટાવવાની અરજી સ્વીકારી હતી, પરંતુ તેમના પતિ સાહેબ બંસલની અરજીને ફગાવી દીધી હતી અને સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, “જ્યારે સંબંધિત પક્ષો વચ્ચે કોઈ સમજૂતી થાય છે, ત્યારે જિલ્લા અને સેશન્સ જજ અને જિલ્લામાં તેમના દ્વારા નિયુક્ત અન્ય વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ પાસે ફોજદારી કેસને સમાપ્ત કરવા સહિતના કેસને સમાપ્ત કરવાનો વિકલ્પ હશે.
કોર્ટે કહ્યું, “સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે દરેક વૈવાહિક કેસ અનેકગણો વધી જાય છે જેમાં પતિ અને તેના પરિવારના તમામ સભ્યો સામે દહેજ ઉત્પીડનના ગંભીર આરોપો લગાવવામાં આવે છે. આજકાલ તે મોટા પાયે ચાલી રહ્યું છે, જે આપણા સામાજિક તાણાવાણાને ખરાબ રીતે અસર કરી રહ્યું છે. કોર્ટે કહ્યું, મહાનગરોમાં લિવ-ઇન-રિલેશનશિપ આપણા પરંપરાગત લગ્નોનું સ્થાન લઈ રહ્યા છે. વાસ્તવમાં આ કપલ કાયદાકીય ગુંચવણમાં ન પડે તે માટે તેનો સહારો લઈ રહ્યું છે. જો આઈપીસીની કલમ 498-એ નો આ જ રીતે દુરુપયોગ થતો રહેશે તો આપણી વર્ષો જૂની લગ્ન પ્રણાલી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.