ગુજરાતમાંથી પસાર થતી પોર્ટ-બાઉન્ડ રેફ્રિજરેટેડ ટ્રકો નિકાસ માટે પ્રમાણિત ભેંસના માંસની સાથે ગેરકાયદેસર રીતે ગૌમાંસ લઈ જતી હોય તો ગુજરાત હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટરો સામે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે કસ્ટમ્સ એક્ટ અને ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ) એક્ટ હેઠળ ગેરરીતિ કરનારા ટ્રક માલિકો સામે કાર્યવાહી કરવા તંત્રને નિર્દેશ આપ્યો છે. 2009માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલનો નિકાલ કરતી વખતે આ નિર્દેશો આપ્યા હતા.
ગૌમાંસ મળી આવે તો મુદ્દામાલની જપ્તિ સાથે નિકાસકારનું લાયસન્સ પણ રદ્દ કરી દેવાની સૂચના
ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે ટ્રકોમાંથી લેવામાં આવેલા માંસના નમૂનાઓ અંગે એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ તંત્રએ કડક પગલાં લેવા જોઈએ.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો પરિવહન અને નિકાસ માટે પ્રમાણિત ભેંસના માંસની સાથે ગૌમાંસ મળી આવે તો સામગ્રીની જપ્તી, નિકાસ લાઇસન્સ રદ કરવા અને સામગ્રીની જપ્તી જેવી કાર્યવાહી વાહન માલિક સામે થઈ શકે છે. બીજી તરફ જો એફએસએલ રિપોર્ટમાં ગૌમાંસની હાજરી ન હોવાનું સામે આવે તો માલ સત્વરે પરત સોંપી દેવા આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે માલસામાનને બે અઠવાડિયાથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાય નહીં, અને એફએસએલ રિપોર્ટ ચાર દિવસમાં આવી જવો જરૂરી છે.
2008માં વિવાદ ઊભો થયો હતો જ્યારે મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ માટે નિકાસ માટે ભેંસનું માંસ લઈ જતી રેફ્રિજરેટેડ ટ્રકોને ગુજરાતમાં અટકાવવામાં આવી હતી. ગૌહત્યા રોકવા માટે કામ કરતી અનેક એનજીઓ આ મુદ્દો ઉઠાવવામાં સામેલ હતી.