સુરતમાં બે મંદિરોના નિર્માણ માટે સરકારે ટુરીઝમ ડિપાર્ટમેન્ટને ફાળો આપ્યા અંગે અરજી કરાતા હાઈકોર્ટે સ્પષ્ટતા માંગી
ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજય સરકારને તેમના ટુરીઝમ ડિપાર્ટમેન્ટને આપેલા મંદિર નિર્માણના રૂ.૮.૮૦ કરોડના ખર્ચ અંગે સ્પષ્ટતા માંગી છે.
ચિફ જસ્ટીસ એ.એસ.દવેએ નોટિસ ફટકારી હતી કે, ટુરીઝમ ડિપાર્ટમેન્ટે લોકોના પૈસાને ધાર્મિક વિકાસના કામો માટે ઉપયોગમાં લીધા છે. આ વાતનો ખુલાસો ગુજરાત આદીવાસી હિતરક્ષક સમીતી નામના એનજીઓ દ્વારા કોર્ટમાં કરાયેલી અપીલ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.
સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે ટૂરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રીનિરંત રામજી મંદિર અને શ્રી ભટ્ટજી મહારાજ મંદિર નિર્માણના કામ માટે ફંડ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. અરજદાર એડવોકેટ જે.એલ.વસાવાએ કહ્યું કે, આદિવાસી સમુદાય તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને માથે રહેવા છત નથી પરંતુ સરકાર પબ્લિક ફંડનો ઉપયોગ ધાર્મિક વિકાસના કાર્યો માટે કરી રહી છે.અરજદારે વધુમાં કહ્યું હતું કે, સરકાર પબ્લિક ફંડ માત્ર લોકોના ઉપયોગના કાર્યો માટે કરે નહીં કે ધાર્મિક વિકાસ માટે. ગુજરાત સરકાર દ્વારા જે પબ્લિક ફંડને ટુરીઝમ વિભાગ માટે ફાળવવામાં આવ્યું છે તે નાણાનો દૂરઉપયોગ કહી શકાય.
આ મંદિર નિર્માણ માટે વિવિધ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને તમામ પ્રોજેકટની સરકારે સ્પષ્ટતા અને માહિતી આપવી જોઈએ આ અંગેની આગામી સુનાવણી તા.૨૦મી ફ્રેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં થનાર છે.