ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્તને ન્યાય પાલિકાની સ્વતંત્રતા પર તરાપ ગણાવતું બાર એસોસિએશન
ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અકીલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા થઈ છે. આ દરખાસ્તથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે. બારના સભ્યો આ દરખાસ્તને ન્યાય તંત્રની સ્વાયતતા ઉપર તરાપ ગણાવી રહ્યાં છે.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન આગામી ૨૦ દિવસ સુધી આ મુદ્દે વિશ્લેષણ કરી કયાં પ્રકારના પગલા લેવા તે અંગે ચર્ચા કરશે. ઉપરાંત બાર એસોસીએશન ૬ વરિષ્ઠ કાઉન્સીલની મદદથી ન્યાયાધીશની ટ્રાન્સફર સામે અરજી કરશે. આ મુદ્દે ન્યાયીક રસ્તો શોધવાના પ્રયાસો કરવામાં આવશે.
વડી અદાલતના પાંચ ન્યાયાધીશોની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અકીલ કુરેશીની ટ્રાન્સફરની ભલામણ થઈ છે. ન્યાયતંત્રમાં વ્યવસ્થિત વહીવટી કાર્ય માટે આ દરખાસ્ત કરવામાં આવી હોવાની દલીલ થઈ છે. જો કે, વકીલોનું એસોસીએશન આ દલીલ માનવા તૈયાર નથી. ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ પૈકી જસ્ટીસ કુરેશીની ગણના થાય છે. ત્યારે બોમ્બે હાઈકોર્ટમાં પાંચમાં ક્રમના જજ તરીકે તેમની નિમણૂક યોગ્ય ન હોવાનું બારનું કહેવું છે.
આ ટ્રાન્સફરને અયોગ્ય ગણવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ કુરેશીની ટ્રાન્સફરની દરખાસ્ત ન્યાયતંત્રની સ્વતંત્ર્તા ઉપર તરાપ હોવાની દલીલ પણ કરવામાં આવી છે. આ ટ્રાન્સફરની કોઈ જરૂર નથી તેવું બારનું કહેવું છે. પરિણામે આગામી સમયમાં ન્યાયાધીશ કુરેશીની ટ્રાન્સફરને લઈ મામલો ગરમી પકડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા વડી અદાલતે વકીલોની હડતાલને ગેરકાયદે ઠેરવી હતી. પરિણામે બારના પ્રમુખને હોદ્દા પરથી રાજીનામુ આપવું પડયું હતું. દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.એસ.રેડ્ડીને હાઈકોર્ટના સ્ટાફ અને બારના સભ્યોએ ફેરવેલ આપી છે. તેમને સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. જસ્ટીસ રેડ્ડીને વર્ષ ૨૦૧૬ના ફેબ્રુઆરી માસમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા હતા.