દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: ટેલીગ્રાફીક એકટ હેઠળ માન્ય અધિકારી જ આ પ્રકારે રેકોર્ડ કરી શકે
અબતક, નવી દિલ્લી
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે ગેરકાનુની રીતે આંતરવામાં આવેલા અને રેકોર્ડેડ કરાયેલા ઓડીયો-વિડીયો ટેપ એ કાનુની પુરાવા બની શકે નહિં. હાઈકોર્ટે જણાવ્યું કે કોઈની પણ મોબાઈલ ફોનની વાતચીત રેકર્ડ કરવા અને તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવા માટે ભારતીય ટેલીગ્રાફ એકટની કલમ ૪૧૯ એ હેઠળ પુર્વ મંજુરી જરૂરી છે અને આ માટે આ ધારાની કલમ ૫(૨) હેઠળ રાષ્ટ્રીય હેતુ જાહેર હીત માટે કરવા માટે સક્ષમ અધિકારીને સતા છે. હવે જ્યારે હાઇકોર્ટે આ આ પ્રકારનો આદેશ આપ્યો છે ત્યારે અનેકવિધ કેસોમાં ફક્ત કોલ.રેકોર્ડિંગ જ એકમાત્ર પુરાવો હોય છે જ્યારે કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે અમાન્ય ઠેરવવામાં આવે તો આ પ્રકારના તમામ કેસો સીધા જ પુરાવાવિહોણા થઈ જશે જેથી કેસ પર વિપરીત અસર થશે.
અને તેના આદેશથી યોગ્ય પ્રક્રિયા પરથી ફોન કોલ રેકોર્ડ કરી શકાય છે અને તે જ પુરાવા તરીકે માન્ય રહે છે. હાઈકોર્ટનાં ન્યાયમુર્તિ ચંદ્રા ગાંધીએ પીપલ્સ યુનિયન ફોર સીવીલ લીબર્ટી વિ.કેન્દ્ર સરકારના સુપ્રિમ કોર્ટનાંચુકાદાને આગળ ધરતા કહ્યું કે કોઈપણ વ્યકિતની સ્વતંત્રતા તથા ગુપ્તતાનો જે અધિકાર છે તેમા ટેલીફોન વાતચીત પણ આવી જાય છે
તે વાતચીત ગેરકાનુની રીતે આંતરી શકાય નહિ. સિવાય કે એકટ મુજબ તે જે તે માન્ય અધિકારીનાં આદેશથી કરવામાં આવ્યુ હોય અને તેનો હેતુ રાષ્ટ્રીય અથવા સામાજીક સુરક્ષાનો હોય તો જ આ પ્રકારે રેકોર્ડીંગ થઈ શકે છે. આ કેસમાં પતીયાલા મેડીકલ કોલેજમાં એડમીશન માટે નાણા લેવાના એક કેસમાં સીબીઆઈએ બે વ્યકિત વચ્ચેની વાતચીતના રેકોર્ડ પુરાવા રૂપે રજુ કરાઈ હતી પણ અદાલતે તેને માન્ય ગણવા ઈન્કાર કરી ગયા હતા.
ધમકી-ખંડણી સહિતના કેસોમાં કોલ રેકોર્ડિંગ એક માત્ર પુરાવો હોવાથી ગુન્હો સાબિત કરવો ‘અશક્ય’ બની જશે ?
હાલ પોલીસ સ્ટેશન, નીચલી અદાલતથી માંડીને હાઇકોર્ટ સુધીમાં ચાલતા અનેક કેસમાં કોલ રેકોર્ડિંગ જ એકમાત્ર પુરાવો હોય છે. તેમાં પણ ખાસ ધમકી, ખંડણી સહિતના કેસમાં તો કોલ રેકોર્ડિંગ જ એકમાત્ર પુરાવો હોય છે ત્યારે હવે આ પુરાવો અમાન્ય ઠરવાથી કેસને સીધી નકારાત્મક અસર પહોંચશે. લાખો કેસમાં કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે દિલ્લી હાઇકોર્ટનો ચુકાદો લાખો કેસને અસરકારક સાબિત થશે.