વકીલોની બેઠક વ્યવસ્થાની મડાગાંઠ ઉકેલવા સીનીયરોની ‘મથામણે’ રસ્તો કાઢયો
નવ નિયુકિત કોર્ટ સંકુલના લોકાર્પણ બાદ ટેબલ ખુરશીની ચાલતી લડાઇ લાંબી ચાલશે !!: બાર અને બેંચ વચ્ચે આવતીકાલે મનોમંથન: વિવાદોના નિકાલની વકીલોને આશાવાદ
રાજકોટ ન્યુઝ
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર સ્થિત નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગના લોકાપર્ણના બીજા દિવસેથી ટેબલ-ખુરશીના ચાલતા વિવાદનો અંત આણવા બારના હોદેદારો અને સીનીયર ધારાશાસ્ત્રીઓ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાતને રજુઆત કરતા સકારત્મક અભિગમ અપનાવી રાજકોટ ડિસ્ટ્રીકટ જજ સાથે બેસી પ્રશ્ર્નને ઉકેલ લાવવામાં આવશે.
રાજકોટ.શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. બાદ નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે વકીલો વચ્ચે ટેબલના મુદ્દે ચાલતા વિવાદના નિરાકરણ અને રાજકોટના 3500 વકીલોનો પ્રશ્ન હલ કરવા માટે બારના હોદેદારો અને સીનીયર ધારાશાસ્ત્રીની બેઠક મળી હતી. જ્યાં સુધી આ બેઠક વ્યવસ્થા અંગે કોઈ નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી યથાવત સ્થિતિ રાખવા અને કોઈએ ઉપયોગ કરવો નહિ અને અન્ય કોઈ નવા ટેબલ અંદર મુકવા નહિ તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 2018થી પેન્ડીંગ પ્રશ્નો અને ફર્સ્ટ ફ્લોર ઉપર ટેબલ મુકવા જગ્યાની ફાળવણી માટે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને મળવા માટે ડિસ્ટ્રીકટ જજને પત્ર લખી સમય માંગ્યો હતો. રાજકોટ બાર એસોસિએશનએ હાઇકોર્ટના ચીફ જસ્ટીસે મળવાનો સમય આપતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, લાઇબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈ અને બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલને મળવા પહોંચ્યા હતા. આ તકે રાજકોટ ડિસ્ટ્રીકટ જજ આર. ટી. વચ્છાણી અને યુનિટ જજ બીરેન વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલને મળી વર્ષ 2018 થી પેન્ડિંગ રહેલા પ્રશ્નો અને ફસ્ટ ફ્લોર ઉપર ટેબલ મુકવા જગ્યાની ફાળવણી માટે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સકારત્મક અભિગમ અપનાવી વકીલોની વ્યવસ્થાની તૂટી અને ઝડપી નિકાલ કરવા ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણી ને મળી નિરાકરણ લાવવા જણાવ્યું હતું આથી આ મામલે તા.17ને બુધવારના રોજ બાર એસોસીએશનના હોદેદારો સાથે ડિસ્ટ્રીકટ જજ સાથે બેઠક મળનાર છે. જેમાં 10 દિવસથી વકીલોના ટેબલ ખુરશીના ચાલતા વિવાદનો અંત આવવાની વકીલો આશાવાદી છે. કે ટેબલ ખુરશીની લડાઇ લાંબી ચાલશે. કે નિકાલ થશે તે તરફ વકીલોની મીટ મંડાય રહી છે.