અબતક, રાજકોટ
રાજકોટના વેજાગામ (વાજડી)ની કરોડો રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજો બનાવી ભૂમાફિયાઓ દ્વારા ઘડવામાં આવેલા કાવત્રા સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવેલા ફરીયાદ હાઇકોર્ટે રદ્ કરતા ફરીયાદીએ સુપ્રિમ કોર્ટમાં ઘા નાંખતા હાઇકોર્ટનો હુકમ રદ્ કરી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપતા ભૂમાફિયાઓમાં હડકંપ મચી જવા પામેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, કાલાવડ રોડ પર રહેતા જીતુલભાઇ જયંતીલાલ કોટેચાએ રાજકોટના વેજાગામ (વાજડી) સર્વે નં.134ની 10 એકર જમીન શામજી જેસાભાઇ કોળી દ્વારા સને-1997માં કુલમુખત્યારનામુ અને વેંચાણ કરારથી આપેલી હતી અને સને-1998માં સાટાખત અને ચૂકતે અવેજની પહોંચ લખી ડીમાન્ડ ડ્રાફ્ટથી રકમ ચુકવી જીતુલભાઇએ જમીન લીધેલી હતી અને ત્યારબાદ નિયમ મુજબ જમીનનું પ્રિમીયમ ભરી સરકારમાંથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ ઉપરોક્ત જમીન અલગ-અલગ વ્યક્તિઓને વેંચાણ આપેલી હતી. બાદ શામજી કોળીનું અવસાન થતા તેના વારસો વેચાણ કર્યું હતું.
બેજાગામની જમીન વિવાદમાં રદ્ કરેલી FIRના હુકમ રદબાતલ કરી ભૂમાફીયા સામે કાર્યવાહી કરવા આદેશ
જમીનને વિવાદમાં નાંખવા સિવિલ અદાલતમાં દાવો દાખલ કરેલો અને દાવામાં દસ્તાવેજો રજૂ કરાતા જીતુલભાઇના ધ્યાન ઉપર આવતા પોલીસ કમિશનરને ફરીયાદ આપવામાં આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમ્યાન જયમીનપરી મગનપરી ગોસ્વામી, અશ્ર્વીન પરસોત્તમ હાપલીયા, કિરણ પરસોત્તમ હાપલીયા, કરણ ગોરધન સોલંકી, મગન દેવા વાઘેલા, રીટાબેન કરણ સોલંકી, સવીતાબેન મગન વાઘેલા, બાબુ નાનજી ભખોડીયા, મનસુખ આંબા કણસાગરા, વિજય બાબુ વાળા, કમલેશ મંગા વાઘેલા અને રાધેશ્યામ વલ્લભદાસ દેવમુરારી વિરૂધ્ધ પૂરાવાઓ મળી આવતા આરોપી તરીકે જોડેલ હતાં.
તપાસ કરવી અને ચાર્જશીટ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું તે પોલીસની ફરજ: સર્વોચ્ચ અદાલત
ગુન્હો દાખલ થતા આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં ફરીયાદ રદ્ કરવા અરજી દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા સને-2018માં પોલીસ તપાસ સામે મનાઇ હુકમ આપી હાઇકોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ રજૂ ન કરવા ક્રાઇમ બ્રાન્ચને આદેશ કરેલો હતો. હાઇકોર્ટ દ્વારા તા.08/01/2018ના રોજ ચુકાદો આપી આરોપીઓ વિરૂધ્ધની ફરીયાદની કાર્યવાહીઓ રદ્ કરવામાં આવી હતી. ફરીયાદી દ્વારા હાઇકોર્ટનો હુકમ સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલા. જેમાં જીતુલભાઇ દ્વારા એવી રજૂઆત કરાયેલી કે પોલીસ તપાસ દરમ્યાન બનાવટી દસ્તાવેજો મળી આવેલા હોવા છતાં હાઇકોર્ટ દ્વારા પોલીસ તપાસમાં હસ્તક્ષેપ થાય તે રીતે પોલીસને ચાર્જશીટ રજૂ કરવા મનાઇ ફરમાવેલી અને એફ.આઇ.આર.માં જેના નામ નથી પરંતુ તપાસ દરમ્યાન જે લોકોનો ગુન્હામાં સહભાગ જણાયેલા છે. તેવા લોકો સામે પોલીસની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ હાઇકોર્ટે ફરીયાદ રદ્ કરી દીધેલી છે.
કરોડોના જમીન કૌભાંડમાં સુપ્રીમ કોર્ટનો રિપોર્ટેબલ ચુકાદો
બંને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને બી.વી. નાગરત્નાની ખંડપીઠે ફરીયાદીની અપીલ ગ્રાહ્ય રાખી હાઇકોર્ટનો ચુકાદો રદ્ કર્યો. તપાસ કરવા પરવાનગી આપવામાં આવેલા પરંતુ ચાર્જશીટ દાખલ ન કરવા આદેશ કરેલો. હાઇકોર્ટ તેવો આદેશ કરી શકે નહીં. તપાસ કરી અને ચાર્જશીટ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવુ તે પોલીસની ફરજ છે. જ્યાં સુધી ચાર્જશીટ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ ન થાય ત્યાં સુધી તપાસને સ્થગિત કરવી અને ચાર્જશીટ સીધુ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવું તેવો આદેશ કરવામાં હાઇકોર્ટે ભૂલ કરેલી છે. સુપ્રિમ કોર્ટે દેશની તમામ અદાલતોને રીપોર્ટેબલ ચુકાદા દ્વારા સમજાવતા એવું પણ ઠારાવેલું કે હાઇકોર્ટ સમક્ષ ફરીયાદ રદ્ કરવાની અરજી દાખલ કરવામાં આવે તો ચાર્જશીટ સાથેના દસ્તાવેજો હાઇકોર્ટ નેકલક્ષ લઇ શકે પરંતુ ચાર્જશીટ રજૂ ન કરવું તેવો આદેશ કાયદા મુજબ થઇ શકે નહીં તેમજ ફરીયાદ તથા પોલીસ તપાસ દરમ્યાન પોલીસને મળી આવેલા પૂરાવાઓ પરથી આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ હોવાનું ઠરાવી હાઇકોર્ટને હુકમ રદબાતલ કરેલ હતો.
આ કામમાં ફરીયાદી જીતુલભાઇ કોટેચા તરફે ધારાશાસ્ત્રી યોગેશભાઇ લાખાણી, તુષાર ગોકાણી, નિખીલ ગોએલ, રીપન ગોકાણી, જય ઠક્કર, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઇશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતાં.