- સાયકોલોજિસ્ટ અને જેનેટિક એક્સપર્ટ સાથે ખાસ સેશનનું આયોજન કરી યુવક અને યુવતીને સમજાવવાનું સૂચન
જામનગરમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં પિતરાઈ ભાઈ-બહેને લગ્નની જીદ્દ કરતા સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. પરિવારની મરજી વિરૂદ્ધ જઈને પોતાની કઝિન સાથે જ લગ્ન કરવા માગતા યુવકનું કાઉન્સિલિંગ કરાશે. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સાયકોલોજિસ્ટ અને જેનેટિક એક્સપર્ટ સાથે ખાસ સેશનનું આયોજન કરી આ બંને યુવક અને યુવતીને સમજાવવામાં આવે. આ ઘટના માર્ચ મહિનામાં સામે આવી હતી જેમાં યુવતી અચાનક ઘર છોડી ક્યાંક જતી રહી હતી અને બાદમાં તેનો મેટરનલ કઝિન પણ ગાયબ થઈ ગયો હતો. મહિલાના પિતાએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે બંનેને ભાગી જવામાં મદદ કર્યા બાદ યુવકના પરિવારે તેને બળજબરીથી પોતાની સાથે જ રાખ્યા હતા.
આ બંનેની ત્યારપછી સર્ચ ઓપરેશન શરૂ કરાયું અને એક મહિના બાદ જ ટ્રેક ડાઉન કરાઈ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને હાઈકોર્ટમાં હાજર કરાઈ હતી. આ દરમિયાન જસ્ટિસ એ.વાય. કોગજે અને એસ. જે. દવેએ આ ઘટના અંગે પૂછવાનું શરૂ કરતા જ યુવતી બોલી કે હું તો મારા કઝિન ભાઈ જોડે જ લગ્ન કરવા માગુ છું. પરંતુ અત્યારે મારો પરિવાર આની વિરૂદ્ધ જઈ રહ્યો છે. અમે બંનેએ રજિસ્ટર્ડ મેરેજ કરવા માટે પણ પ્રયત્નો કર્યા હતા પરંતુ મારા કઝિન ભાઈની ઉંમર લગ્નને યોગ્ય નહોતી થઈ એટલે થઇ શક્યું નથી.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ યુવતી 19 વર્ષની છે જ્યારે યુવક 20 વર્ષનો છે. આ બંનેએ લગ્નની ઈચ્છા વ્યક્ત કરી તો છોકરીનાં ઘરવાળાએ વિરોધ કર્યો હતો. વળી કોર્ટે કહ્યું હતું કે દંપતીએ ટેડ કાઉન્સેલિંગની વિનંતી કરી હતી. કારણ કે ઘણા સમુદાયોમાં આ પ્રમાણેનાં સંબંધને વર્જિત માનવામાં આવે છે. ન્યાયાધીશોએ જામનગરની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને મનોવૈજ્ઞાનિક અને આનુવંશિક નિષ્ણાત સાથે આ બંને યુવક યુવતીના કાઉન્સેલિંગ સેશનની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.
જોકે આગળની સુનાવણી માટે કોર્ટે 9 મેનો દિવસ પસંદ કર્યો છે. કોર્ટે જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને પણ પક્ષકાર તરીકે જવાબદાર ઠેરવ્યા છે અને તેમને આગામી સુનાવણી દરમિયાન મહિલા કોર્ટરૂમમાં હાજર રહે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.