મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોમાં છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલડુ નિકળે તેવી શહેર ભાજપને પણ અંદરખાને ભીતિ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શુક્રવારે મળનારી ખાસ સભામાં મેયર, ડે.મેયરની વરણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવનાર છે. મેયર પદ માટે હાલ પ્રદિપ ડવ અને ડો.અલ્પેશ મોરજરીયાના નામો પ્રબળ દાવેદારોમાં માનવામાં આવી રહ્યાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તરીકે દેવાંગ માંકડ કે પુષ્કરભાઈ પટેલની નિમણૂંક કરાય તેવી સંભાવના જણાય રહી છે. જ્યારે ડે.મેયર પદ માટે ડો.દર્શનાબેન પંડ્યા અને નયનાબેન પેઢડીયાના નામો ચર્ચાઈ રહ્યાં છે. પરંતુ દર વખતની માફક છેલ્લી ઘડીએ હાઈ કમાન્ડ કોથળામાંથી બિલડુ કાઢે તેવી ભીતિ અંદર ખાને શહેર ભાજપને સતાવી રહી છે. હાઈ કમાન્ડ હાલ સરપ્રાઈઝ આપવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે અને જે નામો ચૂંટણી પરિણામના દિવસથી ચર્ચાઈ રહ્યાં છે તેના પર કાતર ફેરવાઈ તેવું અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે.

ગત સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ દ્વારા રાજકોટ માટે પદાધિકારીના નામ નક્કી કરવા માટે વિજયભાઈ રૂપાણીને સંપૂર્ણપણે છુટ આપી દેવામાં આવી છે. સાથો સાથ અલગ અલગ મુખ્ય ત્રણ હોદ્દાઓ માટે 17 નામો ઉભડક રજૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં મેયર પદ માટે ડો.અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ, નરેન્દ્ર ડવ અને બાબુભાઈ ઉધરેજાના નામ આપવામાં આવ્યું છે. તો સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદ માટે દેવાંગભાઈ માંકડ, જયમીન ઠાકર, મનીષ રાડીયા અને અશ્ર્વિન પાંભરનું નામ જ્યારે ડે.મેયર પદ માટે ડો.દર્શનાબેન પંડ્યા, ડો.દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા અને કંચનબેન સિધ્ધપુરા નામ આપ્યાનું જાણવા મળી રહ્યું છે.

દર વખતે શહેર ભાજપ દ્વારા મહાપાલિકાના પદાધિકારીઓ માટે જે નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં અવતા હોય છે તેમાં છેલ્લી ઘડીએ મોટાપાયે ઉથલ-પાથલ થઈ જતી હોય છે. આ વખતે પણ હાઈ કમાન્ડ જાણે સરપ્રાઈઝના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સમીકરણોના આધારે પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવે તેવી લાગી રહ્યું છે. આવામાં મેયર પદે જીતુ કાટોળીયાને પણ બેસાડી દેવામાં આવે તો પણ નવાઈ ન કહી શકાય. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે હાલ જેનું નામ ચર્ચામાં નથી તે કેતન પટેલને પણ બેસાડી દેવામાં આવે તેવી લાગી રહ્યું છે. તો ડેે.મેયર પદે ભાનુબેન બાબરીયાને બેસાડાય તેવી શકયતા નકારી શકાતી નથી. ક્યાંક ત્રણ નામો ફાઈનલ કહી શકાય તે હજુ સુધી કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી. આવામાં હાઈ કમાન્ડ પણ જાણે સરપ્રાઈઝ આપવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે.

મુખ્ય ત્રણ હોદ્દાઓ માટે એક-એક નામ આપવામાં આવે તો મેયર પદ માટે હાલ પ્રદિપભાઈ ડવનું નામ સૌથી પ્રબળ દાવેદારમાં છે. જ્યારે સ્ટે.કમીટીના ચેરમેન પદે દેવાંગભાઈ માંકડને બેસાડવામાં આવે તેવી લાગી રહ્યું છે તો ડે.મેયર પદે નયનાબેન પેઢડીયાનું નિમણૂંક કરાય તેવી શકયતા હાલ જણાય રહી છે. જો કે ભાજપની પ્રણાલી મુજબ જે નામો ચર્ચામાં હોય તેના પર હંમેશા કાતર ફેરવી દેવામાં આવે છે. છેલ્લા એક દશકાથી આ સીનારીયો જોવા મળે છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજનું નામ મેયર પદ માટે છેલ્લી સુધી ફાઈનલ હોવા છતાં પ્રથમ વખત જનકભાઈ કોટકને પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું અને બીજીવાર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનું નામ પ્રદેશમાંથી આવેલા બંધ કવરમાંથી નિકળ્યું. આ વખતે પણ આવું જ કંઈક ઉથલ પાથલ થાય તેવી અંદર ખાને દહેશત દાવેદારોને સતાવી રહી છે. શહેર ભાજપનું એક જુથ પ્રદિપ ડવને મેયર બનાવવા માટે જબરજસ્ત લોબીંગ કરી રહ્યું છે તો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ હાઈ કમાન્ડ ડો.અલ્પેશ મોરજરીયા પર પસંદગીનું કળશ ઢોળવા માંગે છે. આગામી શુક્રવારે ખાસ બોર્ડના એક કલાક પૂર્વે મળનારી ભાજપના નવનિયુક્ત નગરસેવકોની સંકલન બેઠકમાં પ્રદેશમાંથી આવેલું બંધ કવર ખોલવામાં આવશે અને પદાધિકારીઓના નામો જાહેર કરાશે. ત્યાં સુધી માહોલ સંપૂર્ણપણે સસ્પેન્શ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.