ગુજરાતની તમામ સરહદ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ સાથે સઘન ચેકીંગ: અફઘાન બોર્ડરેથી ચાર પાકિસ્તાની આતંકી મોટી ભાંગફોડ કરવાના અહેવાલથી તંત્ર એલર્ટ
આંતકવાદી સંગઠન લશ્કરે તોયબાના ચાર આંતકવાદી અફઘાન બોર્ડરેથી ભારતમાં ઘુસી ગયાના ગુપ્તચર તંત્રના અહેવાલના પગલે દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે ગુજરાતની સરહદો સીલ કરી સઘન ચેકીંગ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
પાકિસ્તાની આંતકવાદીઓ ભારતમાં ૨૬-૧૧ જેવો હુમલો કરવાનો પ્લાન બનાવી ઓગસ્ટ માસમાં અફઘાન બોર્ડરથી એક સાથે ચાર પાકિસ્તાની આંતકીઓ ઘુસી ગયાના ઇનપુટ મળતા તંત્ર એલર્ટ બન્યું હતું. ગુપ્તચર તંત્ર દ્વારા જાહેર કરાયેલા અહેવાન મુજબ ઝાકી ચારેય આંતકીઓનો માર્ગદર્શક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીરમાં ૨૦૧૮ના એપ્રિલ માસમાં પાકિસ્તાનના મુલતાન વિસ્તારના ૨૦ વર્ષીય આંતકવાદી જબીઉલ્લાહ હમજાને ઝડપીને કરાયેલી પૂછપરછમાં હાફિઝ સઇદ અને ઝાકીર નકવી દ્વારા પાકિસ્તાનમાં ચાલતા આંતકવાદી કેમ્પમાં ૨૧ દિવસ સુધી ટ્રેનિંગ લીધી હોવાનું કેમ્પમાં અંદાજે ૪૫૦ જેટલા આંતકવાદીઓ દ્વારા ટ્રેનિંગ લીધા બાદ તમામ મારવા અને મરવા તૈયાર હોવાની સ્ફોટક વિગતો જાહેર કરતા સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી હતી.
જબીઉલ્લાહની સાથે આંતકવાદી ટ્રેનિંગ લઇને કેટલાક જોડીદારો ભારતમાં આવવા બોર્ડર પર આવ્યા હતા અને સફળ ન થતાં આંતકીઓ ભારતમાં ઘુસવા માટે મુઝફરરાબાદ તેજીયા ગામે આવી ભારતીય બોર્ડરના તાર કાપી કુપવાડામાં ઘુસણખોરી કર્યાના ઇનપુટ મળ્યા હતા. આંતકીઓ ભારતમાં ઘુસ્યાના અહેવાલના પગલે રાજયના સુરક્ષા દળને એલર્ટ કરી સરહદ પર સઘન ચેકીંગ સાથે અફઘાનિસ્તાન પાસપોર્ટ ધરાવતા શખ્સોની વિગતો એકઠી કરી હતી.
મુંબઇના ૨૬-૧૧ના હુમલાનો માસ્ટર માઇન્ડ ઝાકી ઉર રહેમાન લખવી હાલ લશ્કર એ તોયબાના કમાન્ડર ઓફ ઓપરેશન ઇન કાશ્મીર અને જનરલ કાઉન્સિલનો મેમ્મબર બની ગયો છે. ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં સૌથી મોખરે રહેલા ઝાકી ઉર લખવી ભારતમાં ભાંગફોડ માટે આંતકીઓને ઘુસાડી સેટેલાઇટથી આંતકીઓને માર્ગ દર્શન આપી રહ્યાનું ગુપ્તચર તંત્ર દ્વારા જણાવવામાં આવતા ગુજરાતના દરિયા કાંઠે તેમજ જમીન માર્ગે આંતર રાષ્ટ્રીય બોર્ડર પર સુરક્ષા વધારી સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે. તેમજ રાજયની એટીએસની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.