કોઠારિયા રોડ પરની અલમાઇટી હોસ્પિટલમાં બનેલો બનાવ : ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીના બનાવી બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે કોઠારિયા રોડ પરની અલમાઇટી હોસ્પિટલમાં એક શખ્સ પાસે યુવક હપ્તાની ઉઘરાણી કરવા માટ ગયો હતો ત્યારે તે શખ્સે તેના પર હિચકારો હુમલો કરતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.વિગતો મુજબ શહેરના નાનામવા મેઇન રોડ પર આવેલા શ્યામનગર-3માં રહેતા અને ખાનગી ફાઇનાન્સ પેઢીના લોન વિભાગમાં કલેક્શનનું કામ કરતા વિજયસિંહ અતુલસિંહ પરમાર નામના યુવાને પોતાની ફરિયાદમાં રમીઝ અમરેલિયા નામના શખ્સ સામે ધારદાર સાધનથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઠારિયા રોડ પર આવેલી અલમાઇટી હોસ્પિટલના રમીઝ અમરેલિયાએ લોન લીધી હોય જેના હપ્તા મુદ્દે ગુરુવારે સવારે ફોન કર્યો હતો.ત્યારે રમીઝે ફોન પર વાત નથી કરવી ક્લિનિક પર આવવાની વાત કરી હતી. જેથી પોતે અન્ય કર્મચારી અને બોસ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચી ફોન કરતા રમીઝ ક્લિનિકમાં ઉપયોગમાં લેવાતા ધારદાર સાધન સાથે ધસી આવ્યો હતો અને મારી સાથે ફોન પર કોણ વાત કરતું હતું તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. મામલો વધુ બિચકતા રમીઝે પોતાના પર ધારદાર સાધનથી હુમલો કરી હાથમાં તેમજ ખભામાં છરકા મારી નાસી ગયો હતો. જેથી હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.