આંધ્રપ્રદેશના નલ્લોરની દયનીય ઘટના: મજૂર દંપતીએ બિમાર મોટી પુત્રીની સારવાર માટે નાની પુત્રીને ૪૬ વર્ષનાં આધેડને વેચી દીધી
૪૬ વર્ષના સુબૈયા નામના આધેડ વ્યકિતએ બાળકી સાથે લગ્ન કરી સગાવ્હાલાને ત્યાં જતા ભાંડો ફૂટયો
ગરીબી અને બેકારી માણસને કેટલો લાચાર, નિરાધાર બનાવી દે છે તે આંધ્રપ્રદેશની તાજેતરની એક આ ઘટના પરથી સમજી શકાય છે. એક સમયે ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખાતા ભારતમાં આજે ઘણા લોકોની હાલત ‘કંગાળ’ બનતી જાય છે. ધનવાન વધુને વધુ ધનવાન તો ગરીબ દીન પ્રતિદિન ગરીબીમાં ધકેલાઈ રહ્યો છે. ભારતમાં આ પ્રશ્ર્ન જેટલો સામાન્ય છે. એટલો જ ગંભીર પણ છે. આંધ્રપ્રદેશનાં નલ્લોર જિલ્લાની એક દયનીય ઘટના સામે આવી છે. જેમાં એક બીમાર પુત્રીની સારવાર માટે ગરીબ પિતા પોતાની બીજી ૧૨ વર્ષની બાળકીને રૂપીયા ૧૦ હજારમાં વેચી દે છે.
નલ્લોર જિલ્લાનાં કોટ્ટટુરમાં રહેતા એક મજૂર દંપતીને ૧૨ વર્ષ અને ૧૬ વર્ષની ઉંમરની બે દિકરીઓ હોય છે. ૧૬ વર્ષની વયની મોટી પુત્રીને શ્ર્વાસની તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. પરંતુ પૈસાના અભાવે અડચણ ઉભી થતા મજૂર દંપતીએ નાની પુત્રીને પાડોશમાં રહેતા સુબૈયા નામના ૪૬ વર્ષનાં એક આધેડને ૧૦ હજાર રૂપીયામાં વેચી દીધી એટલું જ નહી. આ બાળકી સાથે ૪૬ વર્ષનાં આધેડે લગ્ન પણ કરી લીધા. લગ્ન કર્યા બાદ સુબૈયા આ બાળકીને તેના દામપુર સ્થિત સગા સંબંધીને ત્યાં લઈ જતા ગામવાસીઓએ આ ભાંડો ફોડયો હતો.પારિવારિક ઝઘડાથી સુબૈયાએ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા બાદ આ મજૂર દંપતીની મોટી પુત્રી સાથે લગ્ન કરવાની ડીલ કરી હતી પરંતુ તેની તબીયત વધુ બગડતા પૈસા માટે ગરીબ મા-બાપે નાની દીકરીનો સોદો કરવો પડયો આ સમગ્ર મામલો બાળ અને કલ્યાણ વિભાગ પાસે ત્યારે પહોચ્યો જયારે સુબૈયા લગ્ન કર્યા બાદ ૧૨ વર્ષની બાળકીને તેના સંબંધીને ત્યાં લઈ ગયો બાળકીના રડવાના અને ચીસોના અવાજથી પાડોશીઓને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને જાણ કરાઈ તેઓએ બાળકીને બચાવી સુબૈયા અને પુત્રીને વેચનાર મજૂર દંપતી સાથે પૂછપરછ શરૂ કરી છે.