આજ કાલ ભણતરમાં સ્પર્ધા વધતી જાય છે સાથે જ માતા પિતાની પણ બાળક માટે જવાબદારી વધતી જાય છે. બાળકને સ્કુલે મોકલવાથી લઈને તેને હોમવર્ક કરાવવું બધી માતા પર આવતી હોય છે. બાળકની ઉંમર પણ રમવાની હોય છે તેથી તે બધું જ રમત-રમતમાં જવા દે છે ત્યારે એક માતાએ માસુમ બાળકીને હોમવર્ક ન કરવાની આકરી સજા કરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના દિલ્હીની છે જ્યાં એક સોશિયલ મીડિયા પર માતાની આ હેવાનીયતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માતાએ હોમવર્ક ન કરવાને કારણે બાળકીને બપોરના સમયે આકરા તાપ વચ્ચે બન્ને હાથ-પગ બાંધીને મકાનની છત ઉપર મુકી દીધી હતી.
ઘરની છત પર કણસતી જોવા મળી બાળકી
આ બાળકીએ હોમવર્ક કર્યું ન હતું. માટે તેને 5-7 મિનિટ સુધી હાથ-પગ દોરડા વડે બાંધીને છત પર ઉંઘાડી દીધી હતી, જેથી તે નિયમિતપણે સમયસર હોમવર્ક કરે. આ ઘટનાની જાણ થતા પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી.
વાયરલ વીડિયો બાદ પોલીસે માતાપિતાને શોધી કાઢ્યાં
ડીસીપી (નોર્થઇસ્ટ) સંજય સૈને જણાવ્યું હતું કે, “અમે વાયરલ થઇ રહેલા વીડિયોની નોંધ લીધી હતી અને પરિવારને શોધવાનું શરૂ કર્યું હતું. ખજુરી ખાસ અને કરાવલ નગરમાં ટીમો મોકલવામાં આવી હતી. થોડા સમય બાદ એક ટીમને સરનામું મળ્યું. અમે ત્યાં ગયા અને માતાપિતાને શોધી કાઢ્યા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છોકરીના પિતા દરજીનું કામ કરે છે અને આ ઘટના બની ત્યારે તે બહાર હતા. બાળકીની માતા ગૃહિણી છે.
શિક્ષણ માટે ક્રૂર શિક્ષા જરૂરી?: બાળક માનસિક સ્થિતિ ગુમાવે તો જવાબદાર કોણ ?
ઘણીવાર શિક્ષકો કે વાલીઓ દ્વારા બાળકને ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવતો હોય છે. માર મારવા પાછળ ફક્ત બાળક અભ્યાસ કરતો નથી તેવું જ કારણ મોટાભાગે સામે આવતું હોય છે ત્યારે શિક્ષણ ચોક્કસ જરૂરી છે પરંતુ શિક્ષણ માટે ક્રૂર શિક્ષા જરૂરી છે ? શું આવી શિક્ષાથી બાળક શિક્ષણ તરફ વળી શકે ? કે પછી બાળકની માનસિક સ્થિતિ નબળી બની જવાથી તે ગુન્હાહિત માનસ તરફ વળશે ? આ બાબતે સમાજના દરેક વર્ગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરીયાત છે.
પબજી રમવાની ના પાડતા પુત્રએ માતાને ગોળી મારી દીધી: ત્રણ દિવસ સુધી શબ સાથે રહ્યા બાદ પિતાને વીડિયો કોલ કરી મૃતદેહ બતાવ્યો !!
ગઈકાલે જ ક્રૂરતાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં પબજી ગેમ ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી છે. પિતાએ આ અંગે પોલીસને જાણ કર્યા પછી મંગળવારે રાતે પોલીસે શબને બહાર કાઢ્યું હતું. આ ઘટના બાદ પણ એ 16 વર્ષીય તરુણની માનસિક સ્થિતિ શું હશે તેવો સવાલ ચોક્કસથી ઉઠે છે.