અબતક, રાજકોટ
આજના સમયે હત્યા, આત્મહત્યાના બનાવો ખૂબ વધતાં જઈ રહ્યા છે. નાના એવા વિવાદ કે કંકાસમાં લોકો જીવન ટૂંકાવવા તૈયાર થઈ જાય છે. ત્યારે જાત નુકસાનનો અરેરાટી ભર્યો કિસ્સો રાજકોટના ભીચરી ગામે સામે આવ્યો છે. ઘર કંકાસને કારણે કંટાળી સગર્ભા મહિલાએ એસીડ ગટગટાવી જતાં ખળભળાટ મચી ગયો છે. ગર્ભમાં બે જુડવા બાળકો પોષિત થઈ રહ્યા હતા. દુનિયામાં પ્રવેશ પહેલા જ બાળકોનો જીવ લેવાયો છે.
મજુરી કામ કરતી સર્ગભાએ પતિ સાથે થતા અવાર નવાર ઝઘડાથી કંટાળી એસીડ ગટગટાવતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું છે. બનાવથી અન્ય બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. અને મહીલા પાંચ મહીનાનો ગર્ભ ધરાવતી હતી. બીજી તરફ જીવુબેનના ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે, પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે. તેણીના ભાઇ-ભાભી ઉનાના જરગલી ગામે રહે છે. ભાઇ ભરતભાઇ કાનાભાઇ શિયાળ અને ભાભી સહિતના સ્વજનો બનાવની જાણ થતાં રાજકોટ દોડી આવ્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ મેંદરડાના અંબાબા ગામની અને હાલ રાજકોટના ભીચરી ગામે રહેતા જીવુબેન વસંતભાઇ સોલંકી નામની ર9 વર્ષીય સર્ગભા એ પતિ વસંત સાથે થતા અવાર નવાર ઝઘડા અને ઘર કંકાસથી કંટાળી એસીડ પી આપઘાત કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવની જાણ પોલીસમાં થતા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
પરિવારની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જીવીબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે વસંતભાઇ સાથે થયા હતા અને બન્ને મજુરી કામ કરતા હતા અને તેઓને સંતાનમાં 3 વર્ષની બાળકી છે લગ્નના એક વર્ષ બાદ જ વસંતભાઇ અને જીવુબેન વચ્ચે ઝઘડો થતો હતો. જેનાથી કંટાળી 3 વર્ષ બાદ જીવુબેને એસીડ થી જીવન ટુંકાવ્યું છે. જીવીબેન પાંચ મહીનાનો ગર્ભ ધરાવતા હતા અને પીએમ માં જાણવા મળ્યું કે ગર્ભમાં બે બાળકો ઉછીર રહ્યા હતા. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.