દિનદયાલ ક્લિનિક માટે તબીબોની ભરતી કરવા લેવાયેલા ઇન્ટરવ્યૂમાં બેરોજગાર તબીબોની કતારો લાગી
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ 58 ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં દિન દયાલ ક્લિનિક ( મોહલ્લા ક્લિનિક) શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં વધુ ત્રણ ક્લિનિક શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. અગાઉ સાત તબીબોએ રાજીનામા આપ્યા હતા દરમિયાન દિનદયાલ ક્લિનિક માટે 10 તબીબોની ભરતી કરવા આજે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.જેમાં 500 થી વધુ ઉમેદવાર ઉમટી પડતા સાંજ સુધી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલી હતી.
આ અંગ પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા મોહલ્લા ક્લિનિકમાં રાજીનામાં આપનાર સાત તબીબો અને મંજૂર થયેલી વધુ ત્રણ ક્લિનિક માટે તબીબોની ભરતી કરવા માટે આજે વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં એમબીબીએસ, બીએએમએસ અને બીએચએમએસ એમ ત્રણેય કેટેગરીના તબીબ લાયક ગણવામાં આવતા હતા. એમબીબીએસ કરેલા તબીબને માસિક રૂ.30,000 અને અન્ય બે અભ્યાસક્રમ ધરાવતા તબીબને માસિક રૂપિયા 23 હજારનું વેતન આપવામાં આવશે આજે સવારથી ડીએમસી આશિષકુમાર આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી ડો.લલિત વાજા, ઓડિટર શાહ અને ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.હાર્દિક મહેતા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.10 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ આપવા 350 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુંજ્યારે 150થી પણ વધુ ઉમેદવારો ભારે ગીરદી જોઈ ઇન્ટરવ્યૂ આપ્યા વિના જતા રહ્યા હતા. એક તરફ રાજ્ય સરકાર એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
પરંતુ આજે જે રીતે તબિયત કક્ષાના જગ્યા માટે લેવાયેલા ઇન્ટરવ્યૂમાં માત્ર 10 જગ્યા માટે 500થી વધુ ઉમેદવારો જે રીતે ઉમટી પડ્યા તે સાબિત કરે છે કે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જોકે સરકારી નોકરી માટેની યુવાનોની કેલછાના કારણે પણ પણ જ્યારે જ્યારે સરકારી ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં બેરોજગારો ઉમટી પડે છે.