પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી યુગ પરિવર્તક સંત હતા :રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ
અબતક, રાજકોટ
યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ પંચ મહાભૂતમાં વિલીન થયો છે. સંતો, સહિષ્ણુ સેવકો અને અગ્રણી હરિભક્તો દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતની પવિત્ર નદીઓનાં જળ, ભગવાન, સ્વામિનારાયણે જે જળાશાયોનું સ્નાન કરેલું જેનું સ્વામિનારાયણ પરંપરામાં આગવું મહત્વ છે તે જળાશયોનાં જળમાં કેસર, ચંદન અને ગુલાબજળ મિશ્ર કરીને અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવીને સુશોભિત રથમાં તે પાલખીને રાખવામાં આવી હતી. સંતો અને સહિષ્ણુ સેવકો દ્વારા આ રથને સમગ્ર મંદિર પરિસરની બે પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. પ્રદક્ષિણા દરમિયાન સંતો-ભક્તોએ સ્વામિનારાયણ મહામંત્રની ગગનભેદી આહાલેક જગાવી હતી. સમગ્ર અંતિમયાત્રાના માર્ગમાં ડ્રોન દ્વારા સતત પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાકની પ્રદક્ષિણા બાદ અંતિમયાત્રા અંત્યેષ્ટિના સ્થળે પહોંચી હતી. ઉપસ્થિત ભક્ત સમુદાય શાંતિથી દર્શન કરી શકે તે માટે અંતિમયાત્રાના માર્ગની બંને બાજુએ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરમ પૂજ્ય સ્વામીજીનો દિવ્ય વિગ્રહ અગ્નિને સમર્પિત થયો હતો. તે સમયે ઉપસ્થિત સંતો અને ભક્ત સમુદાયની આંખોએ જાણે કે અશ્રુનો દરિયો છલકાયો હતો.
પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, સંતવલ્લભસ્વામી, ત્યાગવલ્લ્ભ સ્વામી, યજ્ઞવલ્લભસ્વામી, પ્રબોધજીવન સ્વામી, અશોકભાઇ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલે પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને અગ્નિને સમર્પિત કરવાની વિધિ કરી હતી. પરમ પૂજ્ય સ્વામીજી દિવ્ય સ્વરૂપે સહુની સાથે રહે તેવી પ્રાર્થના આ સમગ્ર વિધિ દરમિયાન સંતો-ભક્તો આર્દ્રહ્રદયે કરી રહ્યા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્ધાંજલિ આપતાં પરમ પૂજ્ય સ્વામીજીને યુગપ્રવર્તક સંત ગણાવ્યા હતા. તેઓના આશીર્વાદથી ગુજરાતની પ્રગતિ વધી વેગવાન બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યક્ત કરી હતી.
હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ અગ્નિને સમર્પિત થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ સંતભગવંત પરમ પૂજ્ય સાહેબજીએ કહ્યું હતું કે, પરમ પૂજ્ય સ્વામીજીએ હંમેશાં સૌની પાસે સુહ્રદભાવથી જીવવાનો આગ્રહ રાખ્યો છે. એ અનુવૃત્તિ પ્રમાણે યોગી ડિયાઈન સોસાયટીની જવાબદારી પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી અને પૂજ્ય પ્રબોધજીવન સ્વામી ઉપરાંત પૂજ્ય સંતવલ્લભસ્વામી, અશોકભાઇ સેક્રેટરી અને વિઠ્ઠલદાસ પટેલને સોંપવાની જાહેરાત કરી હતી. તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ગાદી મેળવવા માટે વિવાદ હોય છે પરંતુ અહીં તો સહુનું જીવન હરિપ્રસાદ સ્વામીજીની ‘દાસના દાસ’ બનવાની આજ્ઞાને અનુરૂપ હોવાથી કોઈ ગાદી સંભાળવા તૈયાર ન્હોતું. તે સંજોગોમાં ગુણાતીત સમાજના વડીલ સંતો-ભક્તોની સંમતિથી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, સંતવલ્લભસ્વામી, અશોકભાઇ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલને યોગી ડિવાઇન સોસાયટીની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ સંતો-ભક્તો હરિપ્રસાદ સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે સામાજિક અને આધ્યાત્મિક સેવાકાર્યોમાં સક્રિય રહીને સ્વામીજીની સુવાસ દિગંતમાં પ્રસરાવશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી. પૂ. મુકુંદજીવન સ્વામી, પૂ. શાંતિભાઈ, પૂ. અશ્વિનભાઈ, પૂ. દિનકરભાઈ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂ. હરિઓમ મહારાજ, પરિન્દુ ભગત સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને દેશવિદેશના પ્રતિનિધિરૂપ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દેશવિદેશમાં લાખો ભક્તોએ ઓનલાઈન અને ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી ઘેર રહીને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ નિહાળી હતી.