આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન અને એક નાગરિક ઇજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનનો કમાંડર ઠાર મરાયો છે. જ્યારે રાતભરની અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા હતા. પોલીસે આજે વહેલી સવારે આ માહિતી જાહેર કરી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના આતંકવાદી કમાન્ડર એચ.એમ. નિસાર ખાંડે માર્યા ગયો છે. આતંકવાદી પાસેથી 1 એકે-47 રાઇફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે અને ઑપરેશન હજુ યથાવત છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, એન્કાઉન્ટર શુક્રવારે સાંજે અનંતનાગના ઋષિપોરા વિસ્તારમાં શરૂ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ સાથેના પ્રારંભિક ગોળીબારમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ઘાટીમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓ ખૂબ જ સક્રિય છે. તેઓ એક પછી એક હત્યાને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને હિન્દુઓની હત્યા થઈ રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મે મહિનામાં આતંકવાદીઓએ સાત લોકોની હત્યા કરી દીધી છે, ત્યારબાદ ખીણમાં રહેતા અન્ય રાજ્યોમાંથી લોકોની હિજરત શરૂ થઈ ગઈ છે. ગુરુવારે આતંકવાદીઓએ દિવસના અજવાળામાં એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી હતી. આ વિવાદ થાળે પડે તે પહેલા આતંકવાદીઓએ તે જ દિવસે સાંજે કામ પરથી પરત ફરી રહેલા બે મજૂરોને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં બિહારના એક મજૂરનું મોત થયું હતું.