પૂ. ભાવેશબાપુની નિશ્રામાં જગદીશશ્ર્વર મહાદેવ મંદિરનું ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સંપન્ન: આશ્રમના સેવકો સહિત જાણીતા કલાકારોની ઉપસ્થિતિ
અબતક,રાજકોટ
પાટડી ઉદાસી આશ્રમના સંત પ.પૂ. જગાબાપાની ભકિતની જયોત અખંડ પ્રજવલ્લીત છે પૂ. બાપાની મહાદેવ પર પહેલેથી જ અતુટ શ્રધ્ધા રહી છે. પૂ. બાપાની ઈચ્છા એવી હતી કે ઉદાસી આશ્રમના પટાંગણમાં એક શિવ મંદિરનું નિર્માણ થાય જે ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી છે. અમાસના દિવસે પૂ. ભાવેશબાપુ, પૂ.વૈભવબાપુ, પૂ.મયુરબાપુ અને આશ્રમના સેવકો દ્વારા મંદિરનું શાસ્ત્રોકત વિધિથી ભૂમીપૂજન સંપન્ન થયું.
છેલ્લા કેટલાય વર્ષોથી નાના રણ નજીકના પાટડી ગામે ઉદાસીઆશ્રમમાં ભકિત અને સેવાની આહલેક જગાડનારા સંત પ.પૂ. જગાબાપાએ આજીવન મહાદેવ અને પોતાના ગુરૂમહારાજની શ્રધ્ધા પૂર્વક ભકિત કરી. પૂ. બાપા અવારનવાર ઉજજૈન મહાકાલની સામે આવેલા વિક્રમ સ્મશાન ખાતે પૂ. બાપા શ્રધ્ધા પૂર્વક યજ્ઞ માટે અવાર નવાર જતા હતા. સ્મશાન એટલે વ્યકિતનો અંતિમ વિસામો જેથી પૂ. બાપા માનતા કે સાચું શ્રધ્ધા સ્થાન એ સ્મશાન છે. મહાકાલ ખાતે પણ પરોઢીયે ભસ્મ આરર્તીનું ખાસ મહત્વ છે. અગાઉ એ સ્મશાનમાં અંતિમ ક્રિયા પામેલા દેહની ભસ્મથી કરવામાં આવતી હતી. પાટડી ઉદાસી આશ્રમે અત્યાર સુધી હનુમાનજી મહારાજ, બટુક ભૈરવનાથજી અને ઉદાસીબાપાની મઢુલી શોભાયમાન છે. પૂ. જગાબાપા બ્રહ્મલીન થયા બાદ ભાવીકો માટે તેમની સમાધી સ્થળ પણ પૂજનીય બન્યું છે.
પણ હવે પૂ. બાપાની શિવજી પ્રત્યેની શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને પૂ. ભાવેશબાપુ અને સેવકગણ દ્વારા આશ્રમમાં શિવજીનું મંદિર નિર્માણ પામે એ માટે પ્રયાસ થયા છે. જેના ભાગ રૂપે ગત અમાસના રોજ શિવ મંદિરનું ભૂમીપૂજન કરવામાં આવ્યું.જગદીશશ્વર મહાદેવ મંદિરનું ભૂમીપૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચારથી થયું જેમાં પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવબાપુ, પૂ.મયુરબાપુ ઉપરાંત અબતકના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા વર્ણિદ્રધામના સ્વામી અનંતસ્વામીજી, જાણીતા કલાકારો બ્રીજરાજદાન ગઢવી, ફરીદામીર, જયંમત દવે, હકાભા ગઢવી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભૂમી પૂજન બાદ મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદામીર, જયંમત દવે, હકાભા ગઢવી, મેરૂ રબારી, કવિ કેદાન, ઋષભ આહિર વગેરેએ ભજનોની હેલી ચડાવી હતી. આ તકે પાટડી પીએસઆઈ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.જગદી શશ્ર્વર મહાદેવ મંદિરનું ધ્રાંગધ્રાના પથ્થરથી નિર્માણ અતિ ભવ્ય રીતે થનાર છે. પાટડી ગામમાંથી જ મંદિરની ધ્વજાના દર્શન થઈ શકશે.