હે રામ ! આજે ગાંધી નિર્વાણ-દિન આજના દિવસે અહિંસાના પૂજારીને હિંસાએ અચાનક ગોઝારી હિંસાએ ગોળીઓ વડે વિંધ્યા હતા: દેશ અને દુનિયા સ્તબ્ધ બન્યા હતા: કવિ રાજેન્દ્ર શાહે લખ્યું: “અપને હી હાથોંસે હમને અપના બાપુ ખોયા, પ્યારા બાપુ ખોયા
કવિ પ્રદિપે લખ્યું: ‘સાબરમતિ કે સંત તુમને કર દિયા કમાલ… દેદી હમેં આઝાદી બિના ખડગ, બિના ઢાલ’
અય વતનકે લોગોં જરા આંખો મેં ભરલો પાની-જો શહીદ બને હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની… અનેક કલમોએ અમેને માટે અનેક લખાણો લખ્યા છે એમને સંતની ઉપમાં અપાઈ છે.. હજુ આ મહાત્મા કરોડો હિન્દુસ્તાનીઓનાં હૃદય અને અંતરત્મામાં બિરાજમાન છે અને એમનું પ્રદાન અજર અમર તેમજ અવિચળ છે, રહેશે…
આજે જગવૈદ્ય મહાપુરૂષનો નિર્વાણ દિન છે. એમ પણ કહી શકાય કે, આપણા મહાન દેશના રાષ્ટ્રપિતાનો નિર્વાણ દિન છે.આજે આખો દેશ એ તેમને સ્મરણાંજલી નિવાળાંજલી આપશે. એમની પ્રતિમાઓ પર ફૂલોની માળાઓ ચડાવશે અને એમના ઋણ સ્વીકાર રૂપે દિલ્હીમાનાં એમના સમાધિસ્થાન રાજઘાટ ખાતે અભિવંદના કરશે…આ બધુ થવા છતાં અત્યારે આપણા દેશમાં મહાત્મા ગાંધીની વિચારધારાને અને ગાંધીયુગની નીતિરીતિઓને ઘણે ભાગે અભેરાઈએ ચડાવી દેવાયા છે, અર્થાત તેમને પ્રતિમાઓમા પૂરી દેવાયા છે.
આપણા રાજકારણીઓ અને રાજપુરૂષોએ, રાજનીતિજ્ઞોએ તેમજ રાજકર્તાઓએ કૃષ્ણને અને રામને ભગવાન તરીકે પૂજા કરવા જેવા પરમાત્મા તેમજ પરમેશ્ર્વર તરીકે સ્વીકાર્યા છે. સર્વોએ પરમપિતા તરીકે માન્યતા આપી છે, પરંતુ અમેના જીવનમંત્રોને, મૂલ્યોને એમની જીવન શૈલીને અને બોધને-ઉપદેશને દ્દઢ પણે અનુસરવાનું અનિવાર્ય હોવાનું સ્વીકાર્યું નથી. એવો ખ્યાલ આપણા દેશની વર્તમાન સામાજીક રાજકીય પરિસ્થિતિ જોતાં અને ગોબરા-ગંધારા વ્યવહારો જોતા દેખાઈ આવે છે.
મહાત્મા ગાંધીજીએ ગીતા-રામાયણ તથા પૌરાણિક ગ્રંથોનાં તેમજ કેટલાક મહાપુરૂષોની નીતિરીતિઓને આત્મસાત કરવાની તથા એ મુજબ ચાલવાની પ્રમાણિક કોશિષો કરી હતી અને પોતાની જીવન શૈલીને એ મુજબ જ ઘડવાનું અને પ્રત્યેક પગલે એ સિધ્ધાંતોને તેમની જીવન શૈલીમાં તેમજ જીવનયાત્રામાં વણી લેવાનું વ્રત લીધું હતુ અને તેનું ચૂસ્તપણે પાલન કરવાની કાળજી રાખી હતી.સામાજિક અને પારિવારિક આદાન પ્રદાનમા તેઓએ પવિત્રતાને અને ધર્મપરાયણતાને કદાપિ દૂષિત થવા દીધા ન હોતા !
મહાત્મા ગાધી કૃષ્ણની જેમ આધ્યાત્મિક પૂરૂષ હતા. સાથોસાથ તેમણે રાજનીતિમાં પણ ભાગ લીધો હતો. એક એવું ચિંતન છે કે, વિચારવું હોય, બોલવું હોય, સમજવું હોય, તો કૃષ્ણથી વધારે મહત્વપૂર્ણ વ્યકિત શોધવી મુશ્કેલ બનશે. બસ એજ રીતે સત્ય, અહિંસા અને પવિત્ર જીવનને વધુમાં વધુ સમર્પિત વ્યકિતનું દર્શન કરવું હોય તો વર્તમાન યુગમાં મહાત્મા ગાંધીથી વધુ ચઢીયાતી અન્ય નહિ સાંપડે ! એમનું સમગ્ર જીવન ગીતા અને રામાયણના ન તત્વસત્યોને સમર્પિત હતું. ‘મારૂ જીવન એ જ મારો સંદેશ’ અને ‘સત્યના પ્રયોગો’ને આપણા સમાજે ગંગોત્રી-જમુનોત્રી સાથે સરખાવાયા છે.
તેમનું સમગ્ર જીવન ‘ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે’નું દર્શન કરાવતું હતુ અને એની ભીતરમાં એમની ગતિવિધિઓમાં શ્રી કૃષ્ણનાં ચરિત્ર ચિત્રણની દિવ્યોત્તમ છાંટ પ્રતિબિંબિત થતી રહી હતી.અમારી લંડનની યાત્રા વખતે એક આગેવાન બેરિસ્ટરનો પરિચય થયો હતો. તેઓ તે સમયે મહાત્મા ગાંધીજીનાં જીવન કવન અંગે અજબ જેવું મહાકાવ્ય લખી રહ્યા હતા.
રામાયણ, મહાભારત, ગીતા, પેરેડાઈઝ ગેઈન્ડ એન્ડ લોસ્ટ લોસ્ટ જેવા વિશ્ર્વવિખ્યાત મહાકાવ્યોની સમકક્ષ મહાકાવ્ય લખવાની એમની નેમ હતી. અમે એમના બંગલે ગયા ત્યારે પ્રવેશ દ્વારની બાજુમાં જ એક રૂડું રૂપાળું મંદિર હતુ. એમાં એક શ્રી કૃષ્ણની પ્રતિમા હતી. અને બીજી એટલા જ કદની તથા એવા જ સ્વરૂપની મહાત્મા ગાંધીની પ્રતિમા હતી. બંને ‘મોહન’ હોવાનું તેમણે દર્શાવ્યું હતુ.
આપણા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ છે, પરંતુ એમનાં મંદિરો નથી, એવી એક ટકોર કાને પડી હતી !…
નરસિંહ મહેતાના ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ એ ભજનને તેમણ વૈશ્ર્વિક પ્રસિધ્ધિ આપી અને વિશ્ર્વનીક માનવજાત પાસે સાચા વૈષ્ણવ કોણ, એની વ્યાખ્યા પણ મૂકી આપી….આ બંનેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ નિષ્પન્ન થતું હોય એમ શું નથી લાગતું? કમનશીબે આ જગવંદ્ય મહાપુરૂષની વિચારધારાનો આપણા રાજપુરૂષોએ જોઈએ તેટલો ઉપયોગ કર્યો નથી. અને ગાંધીયુગની શોભા વધારવાનો ધર્મ બજાવ્યો નથી.
આપણા દેશની રાજનીતિ એટલી હદે પંગુ અને પોકળ રહી છે કે, એને લીધે આ દેશની વેદિક સંસ્કૃતિ, આપણા સંસ્કાર, સભ્યતા અને શિક્ષણ છિન્નભિન્ન થયા છે.મહાત્મા ગાંધીએ તો એવો સંદેશ આપ્યો છે કે, ‘ઓછામા ઓછી જરૂરતવાળું જીવન તે શ્રેષ્ઠ જીવન અને ઓછામાં ઓછા કાગળો વાળુ તંત્ર, તે શ્રેષ્ઠ તંત્ર ! આપણા દેશના સુકાનીઓએ ફાઈલોને ફાઈલો-હજારો ફાઈલોનું તંત્ર બનાવી દીધું છે.
આપણો દેશ ગાંધીવાદ હેઠળ સ્વાવલંબી બનતો હતો ખાદી, ગ્રામોદ્યોગ, સક્ષમ ખેતી, મૂલ્યવાન શ્રમ-ઉદ્યમ વગેરે વડે સમૃધ્ધ બની શકે તેમ હતો અને મતિભ્રષ્ટ થતતાં અટકર્યો હતો. આપણા દેશની એકતા તૂટીફૂટીને વિનાશક હદે છિન્નભિન્ન થઈ છે, એ ગાંધી વિચારધારાને અપમાનિત કરીને જ થઈ છે. સરસ્વતીનાં મંદિરોનું અવમૂલ્યન કરીને આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કારને બેસુમાર નુકશાન પહોચાડાયું છે.
બળાત્કાર, દારૂ-મદિરા, ભેળસેળ, ફેશનનો અતિરેક અને કોન્વેન્ટ કલ્ચર (પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે આપણા જ પગ ઉપર કુહાડો માર્યો છે. ગાંધી નિર્વાણ દિન મહાત્મા ગાંધી જેવા મહામાનવે ચીંધેલા મૂલ્યોનું સ્મરણ કરવાનો અને એમની વિચારધારાને પૂન: પ્રસ્થાપિત કરવાની પ્રતિજ્ઞા કરવાનો છે.આપણા દેશની હાલની સમસ્યાઓનો ઉકેલ કૃષ્ણ નીતિ અને ગાંધી વિચારધારાને દેશકાળ અનુસાર પૂન: પ્રસ્થાપિત કરવાનો છે.
ગાંધીવાદને સંપૂર્ણ પણે વિસરી જવાનું આ દેશને નહિ જ પાલવે… હાલના શાસકો ગાંધીજી કરતાં પોતે વધુ સમજદાર અને નીપૂણ માનવાનો ડહોળ કરે છે. એ હાસ્યાસ્પદ અને વાહિયાત છે. ગાંધી કરતાં ચઢિયાતા માનતા શાસકોને આપણો દેશ વહેલાસર જાકારો આપે તો નવાઈ નહીં !
આ તકે એમ કહેવું જ પડશે કે મહાત્મા ગાંધી એ જ વિશ્ર્વભરમાં આપણા દેશને ઓળખ આપી છે. આ મહાત્મા સદીઓ સુધી, હજાર વર્ષ સુધી અમર અને અવિચળ રહેશેએ નિ:સંદેહ છે !