કેન્દ્ર સરકારના કોમવાદી વલણ સામે વિરોધ દર્શાવવા ગાંધીજીની હત્યાનું ચિત્ર મુકયાનો કેરળના નાણામંત્રીનો ખુલાસો: કોંગ્રેસ અને ભાજપે આ કૃત્યને ગાંધીજીના અપમાન સમાન ગણાવ્યું
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાની આગવી વિચારધારાના કારણે વિશ્વમાં છવાય ગયા હતાં. પરંતુ જેમ ગાંધી વિચારધારાનો એક આગવો ચાહકવર્ગ હતો તેટલો જ તેનો વિરોધ કરનારો વિશાળ વર્ગ હતો. છેલ્લા થોડા સમયથી ગાંધીજીના વિવિધ વિચારો કે તેમની પ્રતિમા સાથે છેડછાડ કરીને સસ્તી પ્રસિધ્ધી મેળવવાની ઘેલછા ઉભી થવા પામી છે. તાજેતરમાં ભાજપના કર્ણાટકના સાંસદ અનંત હેગડેએ ગાંધીજી વિશે વાણી વિલાસ કર્યા બાદ કેરળ સરકાર પણ ગાંધીજીના મુદ્દે વિવાદમાં આવી છે. કેરળ સરકારના ગઈકાલે રજૂ થયેલા બજેટના કવર પેઈજ પર ગાંધીજીની હત્યાનું ચિત્ર કંડારીને વિવાદ ઉભો કર્યો છે. કેરળની ડાબેરી સરકારના આ કૃત્યનો વિરોધ પક્ષ કોંગ્રેસ અને ભાજપે આકરી પ્રતિક્રિયા આપીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
કેરળના નાણામંત્રી થોમસ આઈઝેકે ગઈકાલે વિધાનસભામાં રાજ્ય સરકારનું બજેટ કર્યું હતું. આ બજેટના દસ્તાવેજો જેમાં રાખવામાં આવ્યા હતા. હતા તેના કવર પર ગાંધીજીની હત્યાને દર્શાવતું ચિત્ર દોરેલું હતું. આ મુદ્દે આઈઝેકે જણાવ્યું હતું કે, જાણીતા ચિત્રકાર ટોમ વરૂકુમીનીના ‘ડે ઓફ ગાંધી’ના આ ચિત્ર દ્વારા તેઓ કેન્દ્ર સરકારને સંદેશો મોકલવા માંગતા હતા કે, અમોને યાદ છે કે, ગાંધીજીની હત્યા હિન્દુ કટ્ટરવાદીઓએ કરી હતી. આવાજ હિન્દુ કટ્ટરવાદીઓ આજે કેન્દ્ર સરકારમાં બેઠા છે. હાલમાં દેશ ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મોદી સરકારે દેશભરમાં જે પ્રકારનો તણાવ પેદા કર્યો છે તેને અવગણી શકાય નહીં. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એટલે કે એનઆરસીને લાગુ કરવાની જરૂર નથી. તેનાથી દેશભરમાં કોમવાદ ફાટી નીકળશે. જેથી બજેટ દરમિયાન આ સંદેશા દ્વારા અમે કેન્દ્ર સરકારના જાતિવાદી વલણ તરફ દેશનું ધ્યાન દોરવા માંગતા હતી. આઈઝેકે પોતાના બજેટ ભાષણમાં પણ વિપક્ષી રાજ્યો માટે કેન્દ્ર સરકાર ર્આકિ ગુંગણામણ ઉભુ થાય તેવું વાતાવરણ ઉભુ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ડાબેરી સરકારના આ કૃત્યનો વિપક્ષ કોંગ્રેસે આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા રમેશ ચેન્નીલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, અમે પણ ડાબેરી પક્ષોની જેમ ભાજપ, સંઘ સહિતના કોમવાદી તત્વો સામે લડી રહ્યાં છીએ. તેમ છતાં બજેટના દસ્તાવેજમાં ગાંધીજીની હત્યાનું ચિત્ર મુકવું અયોગ્ય નથી. ભાજપે પણ કેરળ સરકારના આ કૃત્યનો આકરા શબ્દોમાં વિરોધ કરીને ગાંધીજીના હત્યાના ચિત્રનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ ગાંધીજીની હત્યા કરનારા નાુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ પણ ગાંધીજીના સત્યાગ્રહને નાટક સમાન ગણાવ્યું હતું. જેથી રાષ્ટ્રપિતા ગાંધીજીના આવી રીતે સમયાંતરે થતાં અપમાન સામે ગાંધીવાદીઓમાં આક્રોશ ઉભો થવા પામ્યો છે.