લેબર રુમમાંથી રાગીણીની ચીસો બહાર સુધી આવતી હતી, અને સુરજ લેબર રુમની બહાર આમથી તેમ આટાં મારી રહ્યો હતો. મનમાં તો અનેક વિચારોનાં વંટોળ શરુ થઇ ચુક્યાં હતા. કારણ કે હવે તેની એક નવી જ સફર શરુ થવાની હતી. એક પિતા તરીકેની સફર, જેમાં તે કોઇનો હમરાહી નહિં પરંતુ એક માર્ગદર્શક બનવાનું છે. દિકરી આવે તે દિકરો બંને માટેનો એક આદર્શ પિતા બનવું હતું સુરજને….. આ બધા વિચારો તેના મગજમાં ચાલતા હતા ત્યાં જ અચાનક રાગીણીની ચીસો શાંત થઇ અને લેબર રુમમાંથી એક નવજાત શિશુનો રડવાનો અવાજ બહાર સંભળાયો. થોડી જ વારમાં એક નર્સ ટોવેલમાં લપેટેલાં એક નાના કુમળા ફૂલ જેવા બાળકને લઇને સુરજ સામે ઉભી રહી. અને એક દિકરીનાં પિતા બનવાનાં અભિનંદન પાઠવ્યા. સાથે-સાથે જ એ દિકરીને સુરજનાં હાથમાં આપી. એ દિકરીને હાથમાં લેતા જ સુરજનાં શરીરમાં જાણે એક અલગ જ લાગણીનો પ્રવાહ વહેતો હોય તેમ પસાર થવા લાગ્યો. એ દિકરીનાં સ્પર્શથી માત્રથી એમાં તેની માં, બહેન, પત્નિ તમામનો પ્રેમ જાણે ભેગો મળીને તેને મળી ગયો હોય તેવી લાગણી અનુભવી….
અને એ લાગણી આંશુ બની તેની આંખમાંથી છલકવા લાગી… પછી જાણે યાદ આવ્યું હોય તેમ જબકીને તેને નર્સને પૂછ્યુ રાગીણીની તબિયત કેમ છે. નર્સે જવાબ આપ્યો બધુ ઓલ રાઇટ છે તમે ચિંતા ન કરો. અને જાતા-જાતા કહેતી ગઇ કે એન્જોય યોર ફાધર હુડ વિથ યોર લીટલ એન્જલ….. ફરી તે તેના હાથમાં તેડેલી તેની દિકરી તરફ એકી ટશે જોતો રહ્યો….
આજે ૨૫ વર્ષ બાદ પણ પિતાની એ એકીટશે જોવા વાળી દ્રષ્ટિ એમને એમ જ છે જ્યારે રાગીણી અને સુરજની વ્હાલી દિકરી ઝંખનાનાં લગ્ન થવાનાં છે. લગ્નને હવે ગણીને સાત દિવસની વાર છે ત્યારે લગ્નની તમામ તૈયારી સૂરજએ કરી રાખી છે. ઘરનાં ડેકોરેશનથી માંડી જમણવાર અને છેલ્લે દિકરીની તેના સાસરે વિદાય.
આ તમામ તૈયારી તેને ખૂબ હરખથી કરી અને આજે જ્યારે તે તમામ તૈયારી પૂરી કરી શાંત મને ઘરની બહારની લોનમાં મુકેલાં હિંચકા પર બેઠો હતો અને આખો બંધ કરી મંદ-મંદ હિંચકામાં હિલળા લેતો હતો ત્યારે જ તેની વ્હાલી દિકરી ઝખનાં ત્યાં આલી ચૂપચાપ ઉભી રહી અને પોતાનાં જીવનનો પહેલો પ્રેમ એવા બાપુને નિહાળતી રહી. થોડી વારે જ્યારે સુરજે આંખ ઉઘાડી ત્યારે ઝંખનાં તેના લાગણીનાં પ્રવાહમાં જાણે ખોવાયેલી ત્યાં ઉભી છે તેવુંજોયું અને વિચાર્યુ કે શું ખરેખર એ તેની સામે ઉભી છે કે હજુ તે સ્વપ્નમાં જ છે અને સૂરજે જ્યારે ઝંખનાને, ‘ઝમકુડી’ જે તે હુલામણા નામે તેને બોલાવતો હતો તે નામથી બોલાવી તો ઝંખના તેના તરફ જાણે ઘસી જ આવી અને બથભરી રોવા જ લાગી. પછી થોડીવાર ઝંખનાને એજ પરિસ્થિતિમાં રહેવા દઇ તેનો ઉભરો ઠાલવા દીધો અને સુરજ તેની પીઠને પંપાળતો રહ્યો. પછી ધીમેથી પૂછ્યુ કુવામાં હજુ પાણી રહેવા દેજે, વિદાઇનાં દિવસે પણ જરુર પડશે અને તેનાથી છૂટી પડી કહ્યું કે પપ્પા તમે પણ શું મને આમ જલદી ઘરમાંથી કાઢી મુકવા માંગો છો….? પછી બંને બાપ-દિકરીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.
ત્યાં હિંચકા પર બેઠા-બેઠા બંને બાપ-દિકરીએ તેનાં ૨૫ વર્ષનાં ખાટા-મીઠાં સંભારણા યાદ કરતાં-કરતાં ખાસો સમય વિતાવ્યો જેમાં ઝંખનાનાં પહેલાં સ્પર્શથી માંડી તેની આંગળી પકડી ચાલવાનું શીખી
અને એવી કેટલીય યાદોને વાગોળી હતી સૂરજે જ્યારે ઝંખના જ્યારથી સમજણી થઇ અને સ્કુલનો પહેલો દિવસ હતો જ્યારે સુરજ તેને મુકવા ગયો હતો અને જે મજબૂત રીતે ઝંખનાએ તેની આંગળી પકડી હતી કે છોડવાનું નામ ન હોતી લેતી.
જાણે ઝંખનાને પપ્પાને મુકીને જવુ જ નહોતું એ વાત યાદ કરીને બંને ખૂબ હસ્યા. એ જ રીતે જીવનનાં દરેક પળાવમાં બાપ દિકરી હંમેશા એકબીજાની સાથે જ રહ્યાં છે અને ખાસ તો જ્યારથી રાગીણીનો સ્વર્ગવાસ થયો છે ત્યારથી તો ઝંખના સૂરજની દુનિયા અને સૂરજ ઝંખનાની દુનિયા બની ચુંક્યા છે. ઝંખના ૧૨ વર્ષની હતી ત્યારથી તેની માં અને બાપ બંનેની ફરજ સૂરજે જ નિભાવી છે અને એ જ રીતે એક દિકરી હોવા છતાં એક મા, અને પત્નિની જેમ સુરજનું ધ્યાન ઝંખનાએ રાખ્યું છે.
આમને આમ એ સાત દિવસો પણ પૂરા થઇ ગયા અને છેલ્લે લગ્નનો દિવસ આવ્યો જ્યારે સૂરજની ઝમકુડી એક દુલ્હન બની હતી. ઝંખનાને દુલ્હનના પરિધાનમાં ઘરેણાથી, ફુલોની વેણીથી શણગારીત જોઇ તો એક સુંદર ઢીંગલીને જ એ શણગાર સજાવ્યો હોય તેવી દેખાતી હતી તેની ઝમકુડી થોડીવાર એ જ પ્રથમ દ્રષ્ટિ વાળી સ્થિરતા સૂરજની આંખમાં આવી અને જોતો જ રહ્યો તેની વ્હાલસોઇ દિકરીને, રંગેચંગે, ર્નિવિધ્ને લગ્નની વિધી અને જમણવાર પૂર્ણ થયા અને હવે જ કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો હતો જે છે તેના કાળજાનો કટકો એવી દિકરીને તેના સાસરે શુભ આશિષ સાથે વળાવવાની હતી.
એ શુભ ચોઘડિયું પણ આવી પહોંચ્યુ, બંને બાપ-દિકરી જાણે પોતાની લાગણીને અત્યાર સુધી સંભાળીને બેઠા હતા અને હવે છેક વિદાયની કપરી વેળાએ દિકરી તો રહી જ ના શકી, પિતાને જોઇ આંખમાંથી દળદળ કરતાં આંસુ વહેવા લાગ્યા, જ્યારે પિતાનું હદ્ય થોડું કઠણ હોય છે. પરંતુ દિકરીની વિદાય સમયે એ કઠણ હદ્ય પણ રુ જેવું નરમ બની જાય છે અને ઝંખનાનાં આંસુ લુછતા પોતાની આંખનાં આંસુને રોકી ન શક્યો એક પિતા.
અને બંને એ એકબીજાને ઘરપત આપી, સુરજે ઝંખનાને તેના સાસરે એક ભારે હદ્યે આખરે વળાવી અને ઝંખના વગર ઘર તો સાવ સુનુ સુનુ વળાવી અને ઝંખના વગર ઘર તો સાવ સુનુ સુનુ બની ગયું હતું ઝંખના જ તો હતી તેના ઘરની રોનક…..
સુરજ અને ઝંખનાં એ તો માત્ર પ્રતિક હતા આ વાર્તા જેના દ્વારા એક પિતા અને દિકરીનાં સંબંધો, તેની લાગણી, એકબીજા સાથેનો પ્રેમ દર્શાવવા માટે, પરંતુ અહિં દરેક પિતાની લાગણીને દર્શાવી છે જે તેની વ્હાલસોઇ દિકરી માટે હોય છે અને દિકરી માટે તો તેના પિતા ભગવાન કરતાં પણ વધુ માન ધરાવે છે. અને એટલે જ બાપ-દિકરીનાં સંબંધને કોઇ શબ્દોમાં વર્ણવવા એક અઘરું કામ છે.