નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના રિપોર્ટમાં ધડાકો: રાજ્યમાં તંબાકુનું સેવન કરતી મહિલાઓની સંખ્યામાં ૧.૩ ટકાનો વધારો જ્યારે પુરૂષોમાં ૧૦.૩ ટકાનો ઘટાડો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) ના અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં તમાકુનું સેવન કરનારા પુરુષોની સંખ્યામાં ૧૦.૩ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે તમાકુનું સેવન કરતી સ્ત્રીઓની સંખ્યામાં ૧.૩% નો વધારો થયો છે. એનએફએચએસના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૫-૦૬માં ૬૦.૨% પુરુષો તમાકુનું સેવન કરતા હતા જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૫૧.૪% થઈ ગયો હતો અને વર્ષ ૨૦૧૯-૨૦માં તે ઘટીને ૪૧.૪% થઈ ગયું છે. વર્ષ ૨૦૧૯-૨૦ના આંકડા અનુસાર શહેરોમાં કેટલાક ૩૩.૬ % પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૬.૭% પુરુષોએ તમાકુનું સેવન કરે છે. એનએફએચએસ અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં શહેરોમાં ૪૬% પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૬.૨% પુરુષો તમાકુનું સેવન કરતા હતા.
વાત જો મહિલાઓની કરવામાં તો ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ ૨૦૦૫-૦૬માં ૮.૪% મહિલાઓએ કોઈપણ પ્રકારના તમાકુનું સેવન કર્યું હતું જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૭.૪%એ પહોચ્યું હતું પરંત વર્ષ ૨૦૧૯-૨૦ માં ફરીવાર મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ વર્ષના ગાળામાં તમાકુનું સેવન કરતી મહિલાઓની સંખ્યા ૮.૭% થઈ ગયો છે. એનએફએચએસ-વી અનુસાર તમાકુનું સેવન કરનાર મહિલાઓની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં ૧૧% અને શહેરી વિસ્તારોમાં ૫.૪% હતી. જો કે અંતિમ રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારોમાં ૫.૨% મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારમાં ૯.૧૫% મહિલાઓ તમાકુનું સેવન કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમાકુનો અન્ય પ્રકારનો ઉપયોગ કરતા પુરુષો તમાકુ સાથે ગુટકા અથવા પાન મસાલાનો ઉપયોગ વધારે કરતા હોય છે. પુરુષો અને સ્ત્રીઓમાં તમાકુનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ગ્રામીણ
વિસ્તારોમાં વધારે છે. ગુટકા અથવા પાન મસાલા તમાકુવાળા બીડી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ ઉપયોગ કરાઈ રહ્યો છે.
હાલ પણ ગ્રામીણ વિસ્તારમાં જાગૃતતાના અભાવે મહિલાઓ ભોજન પછી સોપારી અને તમાકુ ખાતી જોવા મળે છે. હવે ગુટકાના ચલણથી ગ્રામીણ વિસ્તારોમાં તમાકુનો વપરાશ વધ્યો છે તેવું અધિકારીએ જણાવ્યું હતું. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, દારૂ પીવા જેવી બાબત પુરુષો માટે અને સ્ત્રીઓ માટે તમાકુનું સેવન કરવું એ પરંપરાઓનો એક ભાગ અગાઉના સમયમાં હતી જેની અસર હાલ પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં બાળકોને તમાકુ ખાતા પણ જોવામાં આવ્યા છે. આવા બાળકોની નોંધપાત્ર વસ્તી છે તેવું એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.