ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને બાળકો પાસેથી ભીખ મંગાવવાનાં ગોરખ ધંધા ઘણા ફૂલ્યા-ફાલ્યા છે
માણસજાત પ્રસંગોપાત ઈમોશનલ ફુલ બની જતી હોય છે. ફેસબુક પર વાઈરલ થતાં વીડિયોમાં દેખાડાતાં ગરીબ લોકોની પીડા જોઈને રાતોરાત કેટલાકને સો-હજાર અને ક્યારેક તો લાખ્ખો રૂપિયા સુધીનું દાન કરવાનું ચાનક ચડી આવે છે. જો આ દાન યોગ્ય સંસ્થામાં તથા યોગ્ય હાથોમાં પહોંચે તો ઠીક, બાકી મોટાભાગનાં કેસમાં રસ્તે રઝડતાં બાળકો કે ગોદમાં નાનું બાળક લઈને ભીખ માંગવા નીકળી પડેલી સ્ત્રીઓને આપણે ગરીબ માનીને અમુક-તમુક રકમ આપી દઈએ છીએ. દાનવીર થવું સારી બાબત છે પરંતુ આજનાં યુગમાં માણસની દાનવીર વૃત્તિનો લાભ, કોઈ અયોગ્ય વ્યક્તિ ઉઠાવી ન જાય તે માટે સતર્ક રહેવું જરૂરી બની ગયું છે.
ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને બાળકો પાસેથી ભીખ મંગાવવાનાં ગોરખ ધંધા ઘણા ફૂલ્યા-ફાલ્યા છે. ભારતને જે પ્રકારે ગરીબોનો દેશ માનવામાં રહ્યો છે ત્યારે આજે આ ગરીબ દેશનાં કેટલાક અમીર ભિખારીઓ પાસે પડેલી સંપત્તિ, તેમની ગરીબી બયાન કરવા કાફી છે. ભારતનાં ખ્યાતનામ સર્વેયર ડો.રફુદ્દીન દ્વારા દેશભરમાં ગરીબોને અપાતી રકમ બાબતે એક સર્વે હાથ ધરવામાં આવ્યો. બરાબર બે વર્ષનાં સઘન પ્રયાસો બાદ પછી તેમની સામે જે આંકડો આવ્યો તે અત્યંત શોકિંગ છે! ખુદ ભારત સરકાર પણ અચંબિત થઈ ગઈ. 200 કરોડ. પૂરા બસ્સો કરોડની ભારતની ગરીબી હવે એક ધમધીકતા ધંધામાં તબદીલ થઈ ગઈ છે. અપહરણ થયેલા બાળકોને કે પછી મજબૂર-લાચાર લોકોને ફરજિયાત આ ધંધામાં ઘસેડી લાવી દિવસનાં દસ કલાક ભીખ માંગવા માટે મોકલવામાં આવે છે. કેટલાક પોતાની મરજીથી જાય છે તો કેટલાક અત્યાચાર સહન કરવાની બીકે!
ભારતની બેગર્સ ઈન્ડસ્ટ્રી 200 કરોડનાં આંકડાને વટાવી ચૂકી છે. કોઈ માં-બાપને પોતાનું સંતાન ભીખ માંગે તે કદાપિ મંજૂર ન જ હોઈ શકે છતાંય આજની પરિસ્થિતિને જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે આમને આમ ચાલતું રહ્યું તો કાલે ઉઠીને જગ્યાએ-જગ્યાએ બેગર્સ ઈન્સ્ટીટ્યુટ પણ ખૂલી જશે, જ્યાં આવા સ્પેશ્યલ કોર્ષ ભણાવવા માટે દેશનાં અમીર ભિખારીઓને વિઝિટીંગ ફેકલ્ટી તરીકે અપોઈન્ટ કરાશે!! જોક્સ અપાર્ટ, થોડા વર્ષો પહેલા પોલીસ સામે આવેલા કિસ્સામાં એક ચોંકાવનારો ખુલાસો જાહેર થયો. ઘટના એવી કંઈક હતી કે, રોડ-અકસ્માતમાં મૃત્યુ પામેલા ગરીબ ભિખારી પાસેથી કુલ 20 લાખ રૂપિયા મળી આવ્યા, જેને અલગ-અલગ બેંક અકાઉન્ટમાં ડિપોઝીટ કરવામાં આવ્યા હતા. આ કિસ્સા પરથી હવે ચેતી જવાની જરૂર છે. ઘણી વખત આપણે વગર વિચાર્યે રસ્તે રઝડતાંને 100ની નોટ પકડાવી દેતાં હોઈએ છીએ. દિવસ દરમિયાન ફક્ત 30 માણસો પાસેથી મળેલી ભીખ, તેને રૂા.3000નો ધીકતો ધંધો કરાવી આપવા કાફી છે. સશક્ત વ્યક્તિને ભીખ આપીને આપણે ફક્ત તેના શરીરને જ નહી, પરંતુ આખા દેશને અપંગ બનાવી રહ્યાં છીએ. ગરીબો વધુ ગરીબ અને અમીર વધુ અમીર બને તેવા દિવસો હવે વીતી ગયા. આજકાલ ગરીબો પણ પરિશ્રમ કર્યા વગર અમીર બની રહ્યા છે. વ્હાઈટ કોલર જોબ કરી રહેલા કર્મચારીઓની તગડી સેલરીને પણ ટક્કર આપે એટલી હદ્દે આ બિઝનેસ હવે વકર્યો છે. બેગ (ભીખ)ને લીધે આજકાલ ભિખારીઓની બેગ પૈસાથી છલકાવા લાગી છે. ભારતનાં આવા કેટલાક અમીર બેગર્સની સંપત્તિ વિશે જાણીને તમે મોંઢામાં આંગળા નાંખી દેશો! આ એવાં ગરીબોની વાત છે જેમણે પોતાની જુવાનીમાં તો ઘણી દારૂણ પરિસ્થિતિ તેમજ આર્થિક કટોકટી જોઈ છે પરંતુ ત્રીસ-પાંત્રીસ વર્ષનાં સક્સેસફુલ બેગર્સ બિઝનેસ બાદ હજુ આજની તારીખે પણ તેઓ ભીખ માંગવાનું છોડી શક્યા નથી!
(1) ભરત જૈન (ઉંમર : 51 વર્ષ, મુંબઈ): હા, તો આ મહાશય આપણા દેશનાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર ભિખારીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈના પરેલ વિસ્તારમાં ભીખ માંગી રહેલા ભરત પાસે હાલમાં પોતાનાં બે અપાર્ટમેન્ટ છે, જેની કિંમત 70 લાખથી વધુ છે! ઉપરાંત, એક જ્યુસ સેન્ટર શોપ છે જેને 10,000 રૂપિયા પ્રતિમાસને ભાડે આપેલી છે. પરેલમાં દરરોજનાં 10 કલાક ભીખ માંગતો ભરત દિવસનાં 2000 રૂપિયા ભીખમાં કમાઈ લે છે, પરિણામે તેની આખા મહિનાની આવક રૂા.60,000થી વધુની છે. તેનાં બે બાળકો હાલમાં ધોરણ 12 અને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ, હોટલ તાજ-ઓબેરોય તેમજ મુંબઈનાં અમુક પોશ વિસ્તારોમાં ભીખ માંગવા નીકળી પડતો ભરત પાછલા ઘણા વર્ષોથી આ ધંધામાં સક્રિય છે અને અઠવાડિયામાં ફક્ત એક વાર ઘેર જઈ શકે તેટલો સમય કાઢી શકે છે!!
(2) સાર્વત્યા દેવી (ઉંમર: 62 વર્ષ, પટણા): સાર્વત્યા દેવી મૂળ તો પટણાની રહેવાસી છે પરંતુ સન 1964થી તેમણે શેરી-ગલીનાં ખૂણે ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું. જેનાં પ્રતાપે તે વર્ષે રૂા.36,000નું ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ભરે છે. (આપણામાંથી કેટલા પાસે વીમા ઈન્સ્યોરન્સ છે!?) તેની દીકરીનાં લગ્ન પણ ધામધૂમથી કરી દેવામાં આવ્યા છે. અમુકવાર તીર્થયાત્રા કરવાનો મૂડ આવતાં સાવર્ત્યા દેવી કોઈ પણ ટ્રેનમાં ચડી આખો દેશ ફરી આવે છે! જ્યાં સુધી ટ્રેન પોતાનાં નિશ્ચિત સ્થળે ન પહોંચે ત્યાં સુધી પોતે ટ્રેનમાં લોકો પાસે ભીખ માંગી ગુજરાન ચલાવે છે. આ જ રીતે તીર્થયાત્રાનાં દર્શન પૂરા કરી પોતાનાં ઘેર પરત ફરે છે. નાનપણથી આવી અનેક યાત્રા કરી ચૂકેલી સાર્વત્યા દેવી આજે આખા દેશનું ભ્રમણ કરી ચૂકી છે! આવનારા સમયમાં પોતાને લાગુ થનારી બિમારી વખતે હોસ્પિટલનો તોતિંગ ચાર્જ ન ચૂકવવો પડે એ માટે તેણે મેડિકલ ઈન્સ્યોરન્સનું આગોતરું આયોજન કરી રાખ્યું છે! (દીર્ઘદ્રષ્ટિ તો જુઓ જરાક!)
(3) ક્રિષ્ના કુમાર (ઉંમર : ચાલીસની આજુબાજુ, મુંબઈ): મુંબઈનાં ચર્ની રોડ નજીક આવેલા સીપી ટેન્ક (કાવસજી પટેલ) વિસ્તારમાં દિવસનાં આઠથી દસ કલાક ભીખ માંગીને જીવન ગુજારતો ક્રિષ્ના કુમાર નાલાસોપારામાં પોતાનાં ભાઈ સાથે પાંચ લાખ રૂપિયાનાં ફ્લેટમાં રહે છે. દિવસનાં 1500 રૂપિયા કમાઈ રહેલા ક્રિષ્નાની મહિનાની આવક લગભગ રૂ.45,000 છે!
(4) સંભાજી કાલે (ઉંમર : અંદાજે 45, મુંબઈ): ખાર વિસ્તારમાં સવારથી ભીખ માંગવા નીકળી પડતો સંભાજી દિવસનાં રૂા.1000 લેખે પ્રતિ મહિને 30,000 રૂપિયાની રોકડી કરી જાણે છે. વિરારમાં એક ફ્લેટ અને સોલાપુરમાં બબ્બે અપાર્ટમેન્ટની મિલકત ધરાવતાં આ ગરીબ ભિખારીની બેંક બેલેન્સ દોઢ લાખ રૂપિયા છે!! તેનાં પરિવારમાં કુલ ચાર સભ્યો છે, જેનાં ભરણ-પોષણ માટે તેણે મુંબઈની અન્ય કેટલીક જગ્યાઓ પર જમીન ખરીદી રાખી છે.
(5) મસ્સુ ઉર્ફે મલાન (ઉંમર : 70 વર્ષ, મુંબઈ): ઈન કે બારે મેં ડિટેઈલ મેં બાત કરની પડેગી બોસ! આ મહાશય છે થોડાક ફિલ્મી! અંધેરી વેસ્ટમાં અંબોલી ખાતે વન બેડરૂમ-હોલ-કિચનનો ફ્લેટ ધરાવતો મસ્સુ છેલ્લા 15 વર્ષથી લોખંડવાલા વિસ્તારમાં ભીખ માંગવા આવે છે. એ પણ કઈ રીતે ખ્યાલ છે? ઠાઠમાઠથી રિક્ષામાં બેસીને! દરરોજ ઘરનાં સારા કપડાં પહેરીને નીકળેલો મસ્સુ સાંજે 8 વાગ્યે લોખંડવાલા પહોંચી એડ્લેબ્સ પાસે પોતાનાં ભિખારીનાં સફેદ કોસ્ચુમ્સ પહેરી લે છે. નાઈટ શિફ્ટમાં કામ કરતો મસ્સુ રાત્રે ત્રણ વાગ્યે પોતાની પાસે જમા થયેલું 1500 રૂપિયાનું ભંડોળ એકઠું કરીને ઘેર જવા રવાના થાય છે. પત્ની-ત્રણ બાળકો સાથે સુખરૂપ જીવન વિતાવી રહેલો આ અમીર ગરીબ અંધેરી ઈસ્ટમાં પણ એક ફ્લેટની માલિકી ધરાવે છે, જેમાંથી 15,000 રૂા. પ્રતિમહિનાનું ભાડું વસૂલે છે!
રાત્રે ઘેર પરત ફરતી વખતે પોતાની રિક્ષાને ફેમસ યશરાજ સ્ટુડિયો પાસે ઉભી રખાવી ફરી નવા કપડાં પહેરી પત્ની-બાળકો પાસે પહોંચી મસ્ત-મજાની ઉંઘ ખેંચી કાઢે છે! બંને ઘર ઉપરાંત, તેની પાસે બેંકમાં કુલ 30 લાખ રૂપિયાનું ભંડોળ સંગ્રહ થયેલું છે, જેને સાચવવા માટે તેણે ઘણા સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવ્યા છે. મુંબઈનો લોખંડવાલા એરિયા મુખ્યત્વે ફિલ્મ-સ્ટાર્સ અને એક્ટર-મોડલ માટેનું હબ ગણાય છે, જેનાં લીધે તેને ભીખ માંગવા માટે ખાસ્સી મહેનત નથી કરવી પડતી. દારૂ ઢીંચીને નશામાં ચૂર થઈ ગયેલા સ્ટાર્સ, મસ્સુને આરામપૂર્વક નાણા રળી આપે છે.
આ હતાં આપણા દેશનાં અમુક એવા અમીર ભિખારીઓ કે જે મીડિયાની સામે આવી ચૂક્યા છે. દેશનાં ખૂણે-ખૂણામાં આવા કેટલાય ગરીબો વસવાટ કરે છે જેમની સંપત્તિ, આપણી પાસે પડેલી કુલ મિલકત કરતાં પણ વધુ હોઈ શકે! ઘરની બહાર નીકળો અને ત્યાં ચોકમાં બેસીને ભીખ માંગતા ગરીબનાં ખિસ્સામાં તમારા ખિસ્સા કરતાં પણ વધુ ગુલાબી નોટો પડી હોય એવુંય બને! ઘેર-ઘેર હાથમાં છોકરું લઈને માંગવા નીકળેલી ભિખારણ જેવી લાગતી સ્ત્રી પાસે પોતાનાં બે અલાયદા ફ્લેટ હોય શકે તે આશંકાને પણ આજની તારીખે નકારવા જેવી તો નથી જ! સિગ્નલ પર ગાડીનો કાચ ઠપકારીને પૈસા માંગતા વ્યક્તિ પાસે તગડું બેંક બેલેન્સ હોઈ શકે એવો વિચાર મગજમાં ચમકે એમાં કંઈ ખોટું નથી!
કોઈ ગરીબ-લાચાર વ્યક્તિની મદદ કરવાને લીધે દાન દેનારનાં ભંડાર ખૂટી પડ્યા હોય તેવું ક્યારેય બન્યું નથી. પરંતુ વ્યક્તિએ કરેલી મદદ ખરેખર જરૂરિયાતમંદ માણસ સુધી જ પહોંચે છે કે નહી તેની ખાતરી કરી લેવામાં પાછીપાની ન કરવી જોઈએ. ગરીબોને ફક્ત પૈસા આપીને જ મદદરૂપ થઈ શકાય એવું તો કોઈ જગ્યાએ નથી લખ્યું. એમને પાંચ ગરમાગરમ રોટલી અને શાક અથવા તો મિષ્ટાન્ન જમાડીને પણ જઠરાગ્નિ શાંત કરી શકાય છે. કોઈ માટે સાક્ષાત અન્નપૂર્ણાનાં અવતાર બની જવાથી પણ ઘણીવાર ઈશ્વર રાજીપો અનુભવતો હોય છે.
બની શકે કે ભોજનનાં માધ્યમ થકી ખરા અર્થમાં જેઓ ગરીબ-ભૂખ્યા છે તેમનું પેટ ઠરી જાય! સેવા પરમો ધર્મ. સેવા ખરેખર યોગ્ય હાથોમાં પહોંચી ધર્મમાં રૂપાંતરિત થાય છે કે પછી કરેલા દાનનો દુરૂપયોગ થાય છે તે જોવું અનિવાર્ય છે. આ માટે કદાચ સરકાર પણ કશું જ નહી કરી શકે. એક જાગૃત નાગરિક તરીકે સ્ટેશન પર, સિગ્નલ પર કે શેરી-ગલીએ રૂપિયા માંગતા ભિખારીઓને નાણાં ન આપવા તેનો દ્રઢ નિર્ધાર લેવાવો જરૂરી છે.