ગાંધીધામ શહેર અને સંકુલમાં આવેલા અમુક સ્પામાં મસાજની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ફરિયાદો વચ્ચે મહિલા પોલીસ મથકે શહેરના સેક્ટર-1માં આવેલા સ્પામાંથી દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને બે શખ્સની અટકાયત કરી હતી અને રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
થોડા સમય પહેલાં મહિલા પોલીસ મથકના અધિકારીઓ, કર્મચારીઓએ સ્પામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગાંધીધામના સેક્ટર-1માં આવેલા આરબ થાઇ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સ્પામાં એક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. તેની સાથે તમામ વાતો બાદ કૂટણખાનાનું અસલી રૂપ બહાર આવતાં પોલીસે ત્યાં છાપો માર્યો હતો.
સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા આદિપુર વોર્ડ 6-બીના સ્પાના સંચાલક જયેશ કિશનચંદ ભાનુશાળી તથા હાઉસકીપિંગ અને સ્પામાં કમિશન એજન્ટનું કામ કરતા નરેશકુમાર ભૂરારામ દાંગીને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સો ગાંધીધામ, વલસાડ અને દિલ્હીની બે એમ ચાર મહિલા પાસેથી દેહવિક્રય કરાવતા હતા.
આ સ્પામાંથી રોકડ રૂા. 44,750, બે મોબાઇલ, ડી.વી.આર.,દેહવિક્રયને આનુષંગિક સામગ્રી એમ કુલ રૂા. 55,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મહિલા પોલીસ મથકના પી.આઇ. બી. એલ. પરમાર, પી.એસ.આઇ. પી. બી. મહેશ્વરી, સ્ટાફના નીતિન ગોસ્વામી, ભાવનાબેન ચૌધરી, કિંજલબા ઝાલા વગેરે જોડાયા હતા.