સાગર સંઘાણી
દીકરી પોતાના પિતા બાદ શાળામાં શિક્ષકોને પિતા સમાન માનતી હોય છે ત્યારે જામનગરની એક ખાનગી સ્કૂલના પૂર્વ આચાર્યએ દીકરી સમાન વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે ત્યારે વિદ્યાર્થીનીએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી પામી છે. પોલીસે લંપટ આચાર્ય સામે દુષ્કર્મ અંગે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરની ૧૫ વર્ષની એક વિદ્યાર્થીની કે જે આજથી ચાર વર્ષ પહેલાં જામનગરની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, દરમિયાન શાળાના આચાર્ય મનીષ બુચ કે જેણે વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઇ તેણીની સાથે શાળામાંજ દુષ્કર્મ ગુજાર્યું હતું, આવી ઘટના એકથી વધુ વખત બની હતી. પરંતુ જે તે વખતે વિદ્યાર્થીની મૌન રહી હતી ત્યારે આચાર્યની વાસનાનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ મૌન તોડીને લંપટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જયારે ફરિયાદી સગીર વયની હતી ત્યારે પોતાની સાથે દુષ્કર્મ ગુજારવા અંગે આચાર્ય મનિષ બુચ સામે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
હાલમાં લંપટ આચાર્ય મનીષ બુચ ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત લંપટ આચાર્યને જામનગરની શાળામાંથી છુટા કરી દેવાયા હતા, અને હાલ જામનગરની ભાગોળે અન્યા એક ખાનગી સ્કૂલમાં પોતે ડાયરેક્ટર તરીકે પણ જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડી તેને શોધી રહી છે.