ધાક-ધમકીથી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબીના કેરાળી ગામે યુવતી પર તેના કૌટુંબિક ભાઈએ ધાક ધમકીથી અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કેરાળી ગામની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન બે વર્ષ અગાઉ રાજકોટના યુવાન સાથે થયા હતા. ત્યારે તેની માતા બીમાર થતા તે પિયરે આવી હતી. ગત.તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ ઘરે એકલી હતી ત્યારે તેમના કૌટુંબિક ભાઈ અશોક દેવશીભાઈ મકવાણાએ તેમના ઘરમાં ઘુસી આવી તેના ગળા પર છરી રાખી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીના જણાવ્યા મુજબ આ તેના કૌટુંબિક ભાઈએ ત્યારબાદ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં યુવતી સાસરે ગઈ હતી ત્યાં તેમના કૌટુંબિક ભાઈએ આવીને ત્યાંથી તેને ભગાડી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ગત તા. ૧૫ મેના રોજ તે યુવતીને લઈને કેરાળી ગામે પહોંચ્યો હતો.
આ મામલાની તેના સાસરિયામાં જાણ થતાં યુવતીના પતિએ છુટાછેડા આપી દીધા હતા. બાદમાં તેના પરિવારજનોએ હિંમત આપતા યુવતીએ તાલુકા પોલીસ મથકે તેના કૌટુંબિક ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે તાલુકા મહિલા પી.એસ.આઈ ગોંડલીયાએ આ બનાવના પુરાવા એકત્ર કરીને સમગ્ર બનાવનું સત્ય બહાર લાવવા ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે.