અનેક ભજનો લોકગીતો ગાનાર જાણીતા ભજનીક હેમંત ચૌહાણનો આજે જન્મ દિવસ છે. હેમંત ચૌહાણ આજે ૬૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે અનેક કલાકારો, રાજકીય સામાજીક આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ, મિત્રવર્તુળ તરફથી શુભ કામનાઓનો ધોધ વરસી રહ્યો છે. હેમંત ચૌહાણે ગાયેલા ઘણા ગીતો લોકજીભે ચડયા છે.
ગાયકી પહેલા હેમંત ચૌહાણ સરકારી નોકરી કરતા હતા પરંતુ વારસા મળેલી કલાને જાળવી રાખવા તેઓએ નોકરી મુકી ગાયન શરુ કર્યુ. હેમંત ચૌહાણ બચપનથી ભજન ગાતા હતા તેમના પિતા રાજાભાઇ એક સારા ભજનીક હતા. દાદા તો મહાભારત અને રામાયણના ઉપાષક હતા. ૧૯૭૬ની સાલમાં રેડિયોની પરીક્ષા પાસ કરી આકાશવાણીમાં ભજન ગાવાનો મોકો મળ્યો. ૯ હજાર જેટલા ભક્તિસંગીતની રચનાઓ પ્રસારિત થઇ ગઇ છે. તેઓએ ત્રંબાના માઘ્યમિક શિક્ષણ લઇ રાજકોટમાં અર્થશાસ્ત્ર સાથે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ વિદેશીમાં પણ પોતાનો સુર રેલાવ્યો છે.
૫૦૦૦ થી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપેલા છે સંગીત ભુષણથી લઇ અનેક પુરસ્કાર તેઓ મેળવી ચુકયા છે.
૧૯૮૭માં કેસર ચંદન ફિલ્મમાં ઝણ ઝણ જાલર વાગે…અને ૧૯૯૫માં પંખીડા ગીતમાં ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મેળવેલો. સંગીત ભૂષણથી લઇ અનેક પુરસ્કાર અકાદમી એવોર્ડ ૨૦૧૨, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન સંગીત ભૂષણ એવોર્ડ ૨૦૧૫, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એ ગ્રેડ સન્માન અને બેસ્ટ પ્લે બેક સિંગર એવોર્ડ મેળવી ચૂક્યા છે.