હેમંત ચૌહાણ આવ્યા અબતકના આંગણે
નામી અનામી સંતો-ગુરુઓની ભકિતવાણી તેમજ ગુજરાતી લોકગીતોને વિશ્ર્વના ખુણે ખુણે પહોચાડનાર સુપ્રસિઘ્ધ ભજનીક હેમંત ચૌહાણને સાંથી વધુ ભકિતગીન સંગીતમાં પ્રદાન બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આપવામાં આવ્યો છે. છેલ્લા ૩૮ વર્ષોથી ભકિતગીતોનો રસસ્વાદ પિરસતા હેમંત ચૌહાણને અત્યાર સુધીમાં કુલ ૮૦૩૬ જેટલા ભજનો, લોકગીતો ગાવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સંત કબીર, રોહિદાસ, રવિદાસ, ગુરુનાનક, મીરાબાઇ, નરસીહ મહેતા, જેસલ તોરલ, લાખા લોયણ, ગંગા સતી, દેવાયત પંડીત, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ, મોરાર સાહેબ, રવિ સાહેબ, રામદેવપીર, જલારામબાપા, ભોજા ભગત, કડવા ભગત સહીત અનેક સંતો-સતિઓ અને પ્રભુ ભકતોની વાણી તેમજ રીનાથજી સંપ્રદાયથી લઇ દરેક સંપ્રદાયની વાણીને પોતાનો કંઠ આપનાર હેમંત ચૌહાણ હવે કોઇ માન અકરમના મોહતાજ નથી રહ્યા.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા હેમંત ચૌહાણે પોતાની શરુઆત યાત્રાથી લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સુધીની યાત્રા વર્ણવી હતી. ૨-૪-૧૯૫૫ મા જન્મેલા હેમંત ચૌહાણે ઇકોનોમિકસ સાથે બી.એ. ની ડીગ્રી મેળવેલી છે. ધાર્મિક પરિવારમાં ઉછરેલા હેમંત ચૌહાણની શરુઆત સંગીત સાધનાથી શરુ થઇ પ્રખ્યાત સંગીતજ્ઞ બાબુભાઇ અંધારીયાના માર્ગદર્શન અને સુચનથી તેઓએ ગાયકી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે સાવ સરળ સ્વભાવના હેમંતભાઇ પોતાના બાહ્ય દેખાવ વિશે સભાન ન હતા. પોતાની કલા, ગાયકીમાં મસ્તમોલા, હરફન મોલા એવા હેમંતભાઇનું સમય સાથે ઘડતર ચણતર થતું ગયું.
મેગ્નેટીક કેસેટના જમાનામાં હેમંત ચૌહાણની એક પછી એક કેસેટો બહાર પડતી ગઇ એમ તેમની ખ્યાતિ પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના સિમાડો ઓળંગી દેશ-વિદેશીમાં ફેલાતી ગઇ, પ્રાચીન સાધુ સંતોની અલગ અલગ ભાષામાં ગવાયેલી કહેવાયેલી રચનાઓનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરી એમને લોકશૈલીમાં ઢાળી લોક ભોગ્ય બનાવવા માટે તેમને રીતસરનું અભિયાન આદર્યુ. પૌરાણિક સાંસ્કૃતિક વારસો સંસ્કૃત, ગુરુમુખી, કચ્છી જેવી વિવિધ ભાષા, પ્રાંત બોલીમાં વેર-વિખેર પડેલું ધાર્મિક સાહિત્યને એકઠું કરવાનું ભગીરથ કાર્યને કર્યુ. જેના કારણે વિસરાતી જતી વિરાસતથી આજની યુવા પેઢી વાકેફ થાય. આ કાર્યમાં તેઓ સફળ પણ થયા આમ છતાં અબતકના એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે આજીવન લોક કલા-સંસ્કૃતિને ધબકતું રાખવા અને આવનારી પેઢીમાં આના થકી સંસ્કાર સિંચન થાય, અને પશ્ર્ચિમ સંસ્કૃતિની આડ અસરથી યુવા ધનને બચાવી શકાય તે માટે હું આ કાર્યનો અંત ન આવે એવી જીજીવિષા છેે.
એમના શબ્દોમાં કહીયે તો ભજન જ મારી પ્રવૃતિ અને વૃતિ રહી છે. મારુ જીવન ભજનોમાં અપાતા સંદેશાની માફક આદયાત્મતા માર્ગે જ રહે તેવું પ્રભુ પાસે માંગું છું.
સંગીત નાટય એકેડમી નવી દિલ્હી સાથે ૧પ વર્ષથી જોડાયેલા રહ્યા જયાં પણ એમનો ભજન પ્રત્યેનો ભાવ જ વ્યકત કરતા રહ્યા. ૨૦૧૨માં તત્કાલીક રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં હસ્તે એકેડમી રત્ન એવોર્ડ ૧૯૯૮ માં ઓલ ઇન્ડિયા રેડીયોનો ટોપ ગ્રાન્ડ એવોર્ડ, ૧૯૯૭-૯૮ માં ગૌરવ પુરસ્કાર, ૨૦૧૫માં સંગીત ભૂષણ એવોર્ડ, તેમજ ગુજરાતી ફિલ્મ કેશર માટે બેસ્ટ પ્લેબેક ગાયક એવોર્ડ જેવા અગણ્ય એવોર્ડ મેળવનાર હેમંત ચૌહાણે કેનેડા, ન્યુઝીલેન્ડ, દુબઇ, ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા, જાપાન, ફ્રાંસ, ગ્રીસ, યુ.કે., અમેરીકા જેવા વિશ્ર્વના અસંખ્ય દેશોમાં પોતાના ભજનોનાં કાર્યક્રમો આપી વિદેશની ધરતી ઉપર પણ દેશની સંસ્કૃતિ અને ધર્મનું પ્રતિનિધિત્વ પોતાની કલાભૂમિ કર્યુ છે.
રેડીયો ઉપર હેમંત ચૌહાણના ગાયેલા પ્રભાતિયા સાંભળી લોકોની સવાર પડે એવો પ્રભાતિયાનો જુવાળ ફરી ઉભો કરવામાં હેમંતભાઇનો ફાળો નાનોસુનો નથી. ભજન અને પ્રભાતિયા એટલે હેમંત ચૌહાણ અને હેમંત ચૌહાણ એટલે ભજન અને પ્રભાતિયા એટલે હેમંત ચૌહાણ એવો પર્યાય બની ગયેલા હેમંત ચૌહાણને અબતક મિડીયા તરફથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવવા બદલ ખુબ ખુબ શુભેચ્છા.