એકમાત્ર પુત્રી નીધિને આરોપી ધવલ ત્રિવેદી પોણા બે વર્ષથી નસાડી ગયો છે: સૌરાષ્ટ્રના લોહાણા સમાજની બેઠક ચોટીલામાં મળી
ચોટીલા ના મધ્યમવર્ગના વેપારી મુકેશભાઇ મનહરલાલ ખખ્ખરે પોતાના પરિવારની એકમાત્ર પુત્રી નીધિને રીઢો આરોપી ધવલ હરીશ્ચંદ્ર ત્રિવેદી પોણા બે વર્ષથી નસાડી જવાં છતાં હજુ સુધી પતોના લાગતા સંત પૂ.જલારામ બાપાના દરબારમાં કાકલુદી કરતો પત્ર લખીને પુત્રીની ભાળ મેળવી આપવા આજીજી કરી છે.
ચોટીલાના મધ્યમ વર્ગના વેપારી મુકેશભાઇ ખખ્ખરની સંતાનમાં એકમાત્ર પુત્રી નીધિ ખખ્ખરને જેલમાંથી પેરોલ પર છુટીને નાસતો ફરતો રીઢો આરોપી ધવલ ત્રિવેદી પોણા બે વર્ષ પહેલા નસાડીને અથવા અપહરણ કરીને લઇ ગયો છે.
આ કેસની તપાસનો રેલો છેક સીબીઆઇ સુધી લંબાયો છે તેમ છતાં હજુ સુધી આરોપી કે અપહૃત દીકરી નીધિનો ક્યાંય પણ પતો લાગતો નથી. જેના કારણે વ્યથિત પિતા મુકેશભાઇ ખખ્ખરે લોહાણા સમાજના આરાધ્ય સંત પૂજ્ય જલારામ બાપાને કાકલુદી કરતો પત્ર લખીને પોતાની લાડકવાયી પુત્રીની ભાળ મેળવી આપવા વિનંતી કરી છે તે જોઇ ભલભલા પાષાણ હ્દયના માનવીની આંખોમાં આંસુ આવી જાય તેમ છે.
જ્યારે પોણા બે વર્ષ થવા છતાં સરકારી તંત્રનો પનો ટુંકો પડવાથી હવે શું કરવુ તે અંગે નિર્ણય કરવા સૌરાષ્ટ્રના લોહાણા સમાજના અગ્રણીઓની બેઠક રવીવારે ચોટીલામાં મળી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મુકેશભાઇ ખખ્ખર મધ્યમવર્ગના વેપારી છે અને પુત્રીની ભાળ મેળવવા બે લાખ રૂ.ખર્ચી ચુક્યા છે તેઓ એ મીડીઆને જણાંવ્યું હતું કે મેં મારી તમામ મરણમુડી ખર્ચી નાંખી છે અને હજુ પણ મારી એકમાત્ર પુત્રી નીધિની ભાળ મેળવવા હું મારૂ મકાન વેચી નાંખવાની પણ તૈયારી કરી રહ્યો છું.
મુકેશભાઇ ખખ્ખરે જણાંવ્યું હતું કે હવે જો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ જો અંગત રસ લે તો જ મારી પુત્રી નો પતો મળે અને આરોપી ઝડપાઇ શકે તેમ છે.