- પંચમહાલ જિલ્લામાં ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ છેલ્લાં બે વર્ષમાં 7531 લાભાર્થીઓને રૂ. 376 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે તા. 31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં પંચમહાલ જિલ્લામાં 7531 લાભાર્થીઓને કુલ રૂ. 376.55 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ અંગે વિગતો આપતાં રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના આદિજાતિ જિલ્લાઓના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ફાળા પેટે લાભાર્થીદીઠ રૂ. 5000ની સહાય આપવામાં આવે છે. જે મુજબ, અરજદારોની રજૂઆતોના આધારે મંજૂર થયેલી અરજીઓના કિસ્સામાં સહાયની રકમ સીધી જ લાભાર્થીના ખાતામાં RTGSથી જમા કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
- સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 1532 ખેડૂતોને રૂ. 65 લાખથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- વધુમાં વધુ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈમાં વધારો કરાયો: કૃષિમંત્રી
રાજ્યના ખેડૂતો માટેની સ્માર્ટ ફોન યોજના અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે તા.31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના 1532 ખેડૂતોને રૂ. 65,62,727ની સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, આ અંગે અરજીઓની વિપુલતાને ધ્યાને લઈને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપી શકાય.
આ અંગે વિગતવાર માહિતી આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગોની જાણકારી, આધુનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાતનું નિવારણ, ખેતીવાડીની વિવિધ યોજનાઓ, સહાય માટેની ઓનલાઇન પ્રક્રિયાની માહિતી સરળતાથી મળી રહે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22થી આ યોજના શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત, અરજદાર ખેડૂતે ખરીદેલા ફોનની રકમના 40 ટકા અથવા રૂ. 6 હજાર – બેમાંથી જે ઓછું હોય, તેટલી રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
આ પ્રકારે, તા.31ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત 2665 અરજદારોને રૂ. 1,25,00,860 જ્યારે નર્મદા જિલ્લામાં 541 ખેડૂતોને રૂ. 23,37,937ની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રીએ લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
- ચોમાસુ સિઝનમાં રાજ્યના 2.73 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- ગુજરાતમાં 15 જણસીઓ ટેકાના ભાવે ખરીદવાની જોગવાઈ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની શાસનધુરા સંભાળી ત્યારથી ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે.
ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી ખેડૂતો પાસેથી વિવિધ જણસી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ 23 પાકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાતમાં 15 જણસી જેવી કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળી વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના 2.73 લાખથી વધુ ખેડૂતો પાસેથી અંદાજે 12.23 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવ આપ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ચોમાસુ સિઝન ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ રૂ. 350 જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શિયાળુ સિઝનમાં થતા ચણા, રાયડો, ઘઉં, વગેરેનો પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ના થાય તે માટે અગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં વર્ષ 2024-25માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે રૂ. 2,320, બાજરી રૂ. 2625, જુવાર રૂ. 3,371, મકાઈ રૂ. 2,225, તુવેર રૂ. 7,750, મગ રૂ. 8,682, અડદ રૂ. 7400 તેમજ મગફળી પ્રતિ ક્વિન્ટલે રૂ. 6,782ના ભાવે ખરીદવામાં આવી છે જેમાં ગત વર્ષ કરતાં અંદાજે ક્વિન્ટલ દીઠ રૂ. 200 થી 250 જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા એગ્રો ક્લાઈમેટ ઝોન મુજબ તાલુકાની પસંદગી કરવામાં આવે છે. આમાં તાલુકા દીઠ 3 ગામોનું ક્લસ્ટર બનાવીને વિવિધ 12 ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. જેમાં ખેડૂત પાસેથી વાવણીથી ઉત્પાદન સુધીના ખર્ચની વિગતો મેળવવામાં આવે છે. આ ઉત્પાદન દરમિયાન થયેલ ખર્ચમાં 50 ટકાનો વધારો કરીને ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકારના ધોરણો મુજબ ખેડૂતોની હાજરીમાં સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ લેવાની પ્રક્રિયાથી ખેડૂતોને સંતોષ છે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતું.