અભણ લોકોને જન્મ-મરણના દાખલાના ફોર્મ ભરી અપાશે: શિક્ષિતોને માર્ગદર્શન મળશે’
રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં પદાધિકારીઓ જયાં બેસે છે ત્યાં ગ્રાઉન્ડ ફલોર પર વર્ષોથી હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવી છે પરંતુ અત્યારસુધી આ સ્થળે કોઈ વ્યકિતને બેસાડવામાં આવ્યા ન હોવાના કારણે લોકોને માહિતી મળતી ન હતી. દરમિયાન આગામી દિવસોમાં આ હેલ્પ ડેસ્ક પર બે કર્મચારીઓને બેસાડવામાં આવશે અને લોકોને તમામ પ્રકારની માહિતી અહીંથી મળશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે કરી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા કચેરીમાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે આવતા સામાન્ય અને અભણ લોકો પાસેથી લેભાગુ દલાલો ફોર્મ ભરી આપવા માટે રૂપીયા ૨૦ થી માંડી ૫૦ સુધીના ઉઘરાણા કરતા હોવાની વાત મારે ધ્યાને આવતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડને આજે તાત્કાલિક સુચના આપી દેવામાં આવી છેકે મહાપાલિકામાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે. આ હેલ્પ ડેસ્ક પર મેઈન પાવર સપ્લાય કરતી એજન્સીના બે માણસો લેવામાં આવશે જેને મહાપાલિકાની અલગ-અલગ ફોર્મ ભરવાની કાર્યવાહી અંગે ટ્રેનીંગ આપવામાં આવશે. ગરીબ લોકોને આ કર્મચારીઓ નિ:શુલ્ક ફોર્મ ભરી આપશે. જયારે શિક્ષિત લોકોને ફોર્મ કેવી રીતે ભરવું અને કયાં જમા કરાવવું સહિતની માહિતીઓ આપશે.