- વારંવાર નિયમ ભંગ બદલ હવે વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરાશે
ગુજરાતમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરાવવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે. હાઇકોર્ટએ પોલીસ અને ગૃહ વિભાગને તાત્કાલિક હેલ્મેટ કાયદાની અમલવારી શરૂ કરવામાં તેવો આદેશ આપ્યો છે. હાઇકોર્ટએ ઉમેર્યું છે કે, વારંવાર હેલ્મેટ કાયદાનો ભંગ કરવા બદલ લાયસન્સ રદ્દ કરવા સહિતના પગલાં લેવામાં આવે. ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેવી ટકોર કરવામાં આવી છે.
દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ કર્યો છે. હાઇકોર્ટએ આજે હેલ્મેટ અંગે થયેલી જાહેર હિતની અરજી અનુસંધાને આદેશ આપ્યો છે કે, મહાનગરોમાં તાત્કાલિક હેલ્મેટની કડક અમલવારી શરૂ કરવામાં આવે. પોલીસ કડક ચેકીંગ ઝુંબેશ હાથ ધરે અને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવાની બાબતને ફરજીયાત બનાવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, એકાદ માસ પૂર્વે જ વાહન ચલાવનારની સાથે સાથે ટુ વ્હીલરમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથ હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો છે
હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અમદાવાદ સહીત રાજ્યના મહાનગરોની સ્થિતિ મુંબઈ જેવી બની ગઈ છે, ત્યારે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે તાત્કાલિક હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.
ટ્રાફિક મેનેજમેન્ટમાં ટેકનોલોજીની મદદ લેવા આદેશ
રાજ્યના મહાનગરોમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અંગે પણ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટ આ અંગે જણાવ્યું હતું કે, વધતી જતી ટ્રાફિક સમસ્યા અત્યંત ચિંતાજનક બાબત છે ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા હાઇકોર્ટએ આદેશ આપ્યો છે.
અગાઉ ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટને ફરજીયાત બનાવાયું’તું
જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આશરે એકાદ માસ પૂર્વે જ હાઇકોર્ટએ અવલોકન કર્યું હતું કે, ટ્રાફિકની વધતી જતી સમસ્યા દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો કરી રહી છે. તેમાં પણ સૌથી વધુ મોત ટુ વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનારના થતાં હોય છે ત્યારે ફક્ત ચાલક જ નહિ પણ પાછળ બેસનાર માટે પણ હેલમેટ ફરજીયાત બનાવવું જોઈએ તેવા અવલોકન સાથે પાછળ બેસનાર માટે હેલ્મેટની ફરજીયાત અમલવારી કરાવવા આદેશ આપ્યો હતો.