પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત: રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામુ

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એકટની અમલવારી બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા વિરોધ વંટોળના કારણે રાજ્ય સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલકો માટે મહાનગરોમાં હેલ્મેટ પહેરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને હેલ્મેટને ફરજિયાતને બદલે મરજિયાત કરવામાં આવી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, મરજિયાત કરવામાં આવ્યું નથી. સરકારે એ વાતની સ્પષ્ટતા પણ કરી છે કે, ટુ-વ્હીલરમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હેલ્મેટ મરજિયાત મુદ્દે આજે રાજ્ય સરકારે ફરી પલ્ટી મારી છે અને એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે ક્યારેય મરજિયાત કરવામાં આવ્યું નથી. નવા મોટર વ્હીકલ એકટની અમલવારી બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો બહોળા પ્રમાણમાં વિરોધ થઈ રહયો હતો. જેના કારણે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી વાહન ચાલકોને મુક્તિ આપી હતી. જેને લઈ હેલ્મેટ મરજિયાત કરવા બદલ હાઈકોર્ટમાં થયેલી જાહરે હિતની અરજી બાદ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યું છે અને એવું જણાવ્યું છે કે, ગુજરાતમાં ટુ-વ્હીલર માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાયું નથી, ફરજિયાત છે. પાછલ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ના વિરુધ્ધમાં ગુજરાત સરકારે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રોડ સેફટી કમીટી દ્વારા સુપ્રીમ કોર્ટને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશ પાસેથી આ નવા મોટર વ્હીકલ એકટની અમલીકરણનો રિપોર્ટ મંગાવવામાં આવે. જેમાં રાજ્ય સરકારને કાયદામાં બદલાવ કરવાની કોઈ જ છુટ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેલ્મેટની અમલવારી બાદ એવી ફરિયાદ ઉઠી હતી કે, સામાજિક કાર્યોમાં જતિ વેળાએ હેલ્મેટથી ખાસી અગવડતા પડે છે જેના કારણે રાજ્યમાં હેલ્મેટ શહેરી વિસ્તારમાં મુક્તિ આપવામાં આવી હતી. આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવું સોગંદનામુ ચોક્કસ રજૂ કર્યું છે કે, રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે, મરજિયાત કરવામાં આવી નથી. પરંતુ તેમાં એવી ચોખવટ કરાઈ નથી કે, રાજ્યમાં ફરીથી લોકોએ ક્યારથી હેલ્મેટ પહેરવાની રહેશે.

ગુજરાતમાં બાર વર્ષથી નાની ઉંમરના બાળકોને આ જોગવાઈમાંથી છુટછાટ આપવામાં આવી હતી. સુપ્રીમ દ્વારા વાહન વ્યવહારના નીતિ નિયમના આદેશ બાદ મોડે મોડે ગુજરાત સરકારના વાહન વ્યવહારના વિભાગ દ્વારા નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત મોટર વાહન નિયમ ૧૯૮૯ના ૧૯૩માં નિયમ મુજબ રાજ્યમાં હેલ્મેટ પહેરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમના બીજા પ્રોવિઝનમાં પાછળ બેસનાર થી કે ૧૨ વર્ષથી નીચેની ઉંમરના બાળકો તથા ૫૦ સીસીથી ઓછુ એન્જીન ધરાવતા દ્વિચક્રિય વાહનોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. પરંતુ હાઈકોર્ટની નોટિસ બાદ સરકારે યુ-ટર્ન લીધો છે અને રાજ્યમાં સરકારી ચોપડે હેલ્મેટ ફરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.