રાજયના કુલ છ યાત્રાધામ-પ્રવાસન સ્થળોએ હેલીપોર્ટ બનાવવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીર સોમનાથ વગેરે સ્થળોને હેલીપોર્ટ બનાવવા માટે આવરી લેવાયા છે. સરકાર પ્રત્યેક હેલીપોર્ટ દીઠ 20 કરોડનો ખર્ચો કરવા જઈ રહી છે. હેલીપોર્ટ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે.
હેલીપોર્ટ અથવા હેલીડ્રોમએ એક એવી સુવિધા છે જે હેલિકોપ્ટર અને અન્ય કેટલાક વર્ટિકલ લિફટ પ્લેટફોર્મના ઉપયોગ માટે યોગ્ય છે. તેમ નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. હેલીપોર્ટની ખાસ વિશેષતા એ છે કે હેલીપોર્ટ બનાવવા માટે ખુબ ઓછી જમીનની આવશ્યકતા રહે છે. એક હેલીપોર્ટ અંદાજે આઠ એકર જમીનમાં સરળતાથી બની શકે છે. અને તેનો આંતરમાળખાકીય ખર્ચો પણ ઓછો આવે છે. હેલીપોર્ટ તમામ હેલિકોપ્ટરની સુવિધાઓ પુરી પાડે છે. જેમકે મેડિકલ ઈમરજન્સીમાં તાત્કાલિક હવાઈ જોડાણ, દિવસ-રાત ધમધમતા શહેરોની વચ્ચે અવર-જવર, પર્યટન, આપતિ સહાય, શોધ અને બચાવ, કાયદાના અમલીકરણ વગેરે માટે ઉપયોગી બની રહે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હેલિપોર્ટને ચાર્ટર ઉપયોગ માટે અથવા પાર્કિંગ માટે, જરૂરી હોય ત્યારે નોન શિડયુઅલ ઓપરેટર્સ પરમિટ ધારકોને સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે. અને આવક ઉભી કરવામાં આવશે. અલગ-અલગ છ સ્થળોએ હેલીપોર્ટ બનાવવાનું આયોજન છે. જેમાં પ્રથમ અમદાવાદ, સોમનાથ અને અંબાજીમાં સેવા શરૂ કરાશે. ત્યારબાદ દ્વારકા, ગીર સોમનાથ અને સાપુતારામાં સેવા શરૂ કરાશે.
હેલીપોર્ટ તમામ સુવિધાઓ પુરી પાડી શકે છે જેમકે એમઆરઓ, સેવા સ્મોલ, ટર્મિનલ બિલ્ડિંગ, એટીસી ટાવર, ઓપરેશનલ એરિયા, પાર્કિંગ, ફાયર એન્ડ એમ્બ્યુલન્સ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક હેલીપોર્ટ માટે સરકાર 20 કરોડનો ખર્ચ કરશે. રાજયમાં છ સ્થળોએ હેલીપોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ રાજયના બીજા નાના-મોટા પ્રવાસન સ્થળોએ પણ આ પ્રકારનાં હેલિપોર્ટ ઉભા કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્યમાં છ સ્થળોએ હેલીપોર્ટની સેવા મળતા લોકોની સુખ-સુવિધામાં વધારો થશે. સરકારે હેલીપોર્ટ બનાવવાનો જે નિર્ણય કર્યો છે તે ખરેખર યાત્રાધામ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે આવકારદાયક છે.