મૃતકોમાં ત્રણ નેતા અને બે બાળકોનો પણ સમાવેશ: હેલિકોપ્ટર બિલ્ડીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયાનું અનુમાન
યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ગૃહમંત્રી સહિત 16ના મોત થયા છે. મૃતકોમાં ત્રણ નેતા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હેલિકોપ્ટર બિલ્ડીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
યુક્રેનની રાજધાની કિવ પાસે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક હેલિકોપ્ટર બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓના મોત થયા છે. બે બાળકો સહિત મૃત્યુઆંક 16 હોવાનું કહેવાય છે. વાસ્તવમાં જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઇમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવું અનુમાન છે.
અહેવાલ મુજબ, આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે. કિવ નજીક સ્થિત બ્રોવરી શહેરમાં આ અકસ્માત થયો હતો. યુક્રેનના પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોએ પોલિટિકોને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં યુક્રેન સરકાર સાથે જોડાયેલા ત્રણ પ્રધાનો માર્યા ગયા હતા. તેમાં યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કી, તેમના પ્રથમ નાયબ યેવરેન યેસેનિન અને રાજ્ય સચિવ યુરી લુબકોવિકનો સમાવેશ થાય છે.