અબતક, નવી દિલ્હી :
તામિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સેનાના ત્રણેય પાંખના વડા જનરલ બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં સીડીએસ બીપિન રાવત સુરક્ષિત છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ અકસ્માત તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે થયો હતો. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બચાવ કાર્ય સતત ચાલુ છે. જેમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત સહિત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા. એવી માહિતી પણ બહાર આવી રહી હતી કે રાવતના પત્ની પણ તેમાં સવાર હતા. આ તમામ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે.
જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર ખૂબ જ ગીચ છે. ચારે બાજુ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેબાજુ આગની જ્વાળાઓ ફેલાઈ હતી. પોલીસની સાથે આર્મી અને એરફોર્સના જવાનો બચાવ માટે પહોંચી ગયા હતા. આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં બીપીન રાવતના પત્નીનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે બિપિન રાવત વાયુસેનાના આઇવીએફ એમઆઈ-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા. આ હેલિકોપ્ટર અત્યંત આધુનિક છે. તેમાં ટ્વીટ એન્જિન છે. ભારતમાં તેનો ઉપયોગ વીવીઆઈપી કામગીરી માટે થાય છે.ભારતે આ હેલિકોપ્ટર રશિયા પાસેથી ખરીદ્યું છે.