બે નંબરી નાણાની હેરાફેરી કરતી આંગડીયા પેઢીના સંચાલકોની પોલીસે કરી અટકાયત
હળવદની પીએમ આંગડીયા પેઢી મારફતે નવ લાખ ચાર હજારનું પેમેન્ટ એકને બદલે બીજા વ્યકિતને આપી દેવાતા છેતરપિંડીનો ભોગ બનેલા આસામીએ પોલીસ ફરિયાદ કરી છે. હળવદ પોલીસે ત્વરિત પગલા લઈ બે નંબરની રોકડ હેરાફેરી કરતા તમામ આંગડીયાને પુછપરછ માટે ઉપાડતા ચકચાર જાગી છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના પી.એમ.આંગડીયા પેઢીમાં રૂ.૯ લાખ ૪ હજાર રાજકોટ હવાલો કરવા જમા કરાવ્યા હતા પરંતુ રાજકોટના બદલે અમદાવાદના રતનપોળ ખાતે રૂ.૯ લાખ જમા કરાવ્યું હતું જો કે ખરેખર તે આંગડીયુ રાજકોટના નિમેશભાઈ ધીરજભાઈ જાવીયાને પેમેન્ટ આપવાનું હતું.
જે પેમેન્ટ નિમેશભાઈની જગ્યાએ અજાણ્યા વ્યકિતનો ફોન આવતા નિમેશભાઈને બદલે સંજયભાઈના નામનું રતનપોળ (અમદાવાદ) ખાતે આંગડીયું કરાવવા જણાવતા ભોગ બનનાર મિલાપ જયંતિભાઈ સુરાણી (રહે.ઉમા સોસાયટી, હળવદ) વાળાએ સંજયભાઈના નામે આંગડીયુ કરાવ્યું હતું.
જોકે, આ ૯ લાખ રૂપીયાનો પેમેન્ટ રાજકોટ હવાલો કરાયો હતો પરંતુ રાજકોટના બદલે રતનપોળ (અમદાવાદ)થી આ રકમ ઉપડી જતા અજાણ્યા શખ્સો દ્વારા ૯ લાખ રૂપીયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ હળવદ પોલીસ મથકે લેખિત રજુઆત કરતા પી.આઈ. એમ.આર.સોલંકીએ હળવદની જુદી-જુદી ચાર આંગડીયા પેઢીમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોગ બનનારે હળવદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી રજુઆત કરાતા પોલીસ સ્ટાફ એકશનમાં આવી તાત્કાલિક શહેરના જુદા-જુદા ચાર આંગડીયા પેઢીના સંચાલકોને જરી આધાર-પુરાવા સાથે હળવદ પોલીસ મથકે બોલાવી ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે નોટબંધી બાદ બેંકની સમાંતર રોકડની મોટાપાયે હેરફેર કરતી આંગડીયા પેઢીઓ મોરબી અને હળવદમાં તમામ નિયમોનો ભંગ કરતા હોવા છતાં આયકર વિભાગથી લઈ જવાબદાર અધિકારી સુધીના વિભાગો મૂંગા મોઢે તમાશો નિહાળ્યા કરે છે. આ સંજોગોમાં હળવદમાં ૯ લાખનું પેમેન્ટ ગેરવલ્લે જતા હળવદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા બે નંબરીઓમાં ફફડાટ ફેલાયો છે.