તીર્થ ગોલ્ડ નામની જ્વેલરી શોપના બે સેલ્સમેન એક્ટિવા પર દાગીના બતાવવા જતા બે શખસો લૂંટી ગયા :સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગી ગઈ છે અને દિવસ રાત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તે દરમિયાન અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં શાહપુર મેટ્રો સ્ટેશનની બહાર સીજી રોડ નજીક તીર્થ જવેલર્સના બે સેલ્સમેન એકટીવા પર સાડા સાત કિલો સોનાની બેગ લઈ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેના હાથમાંથી બેગનું ચીલ ઝડપ કરી હોવાનો બનાવ સામે આવતા આખા શહેરને નાકાબંધીમાં ફેરવી દેવામાં આવ્યું છે. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ થતા માધુપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને સેક્ટર-1 નીરજ બડગુજર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરી છે.
વિગતો મુજબ સીજી રોડ પર આવેલા તીર્થ જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા પરાગભાઈ અને તેમના સાથીદાર બપોરે ત્રણેક વાગ્યાના સુમારે એકટીવા પર સોનાના દાગીનાનો થેલો ભરીને નરોડા વિસ્તારના જ્વેલર્સને દાગીના બતાવવા માટે ગયા હતા.ત્યારે તે વિસ્તારના જ્વેલર્સને પણ તેમણે દાગીના બતાવીને મોડી સાંજે તેઓ એકટીવા પર ભરત તીર્થ જ્વેલર્સ પર આવી રહ્યા હતા.
પરાગભાઈ અને તેમનો સાથીદાર દાગીના ભરેલો થયેલો એકટીવામાં આગળની બાજુ મૂકીને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેના ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમની પાછળથી બાઈક પર આવેલા બે લૂંટારાઓ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા.બનાવ સંદર્ભે પરાગભાઈ અને તેમના સાથીદારે તીર્થ જ્વેલર્સ અને કંટ્રોલ રૂમમાં જાણ કરતા શહેરભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. માધુપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને એસીપી રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આઇપીએસ અધિકારી નીરજ બડગુજરને પણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.